નવી દિલ્હીઃ ભારતીય સેનાએ બુધવારે મધરાતે પાકિસ્તાન સાથે જોડાયેલી લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા ચાર સ્થળે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેના દ્વારા ભિમ્બર, હોટ સ્પ્રિંગ, કેલ અને લીપા સેક્ટરમાં હાથ ધરેલી આ લશ્કરી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સેનાના ડીજીએમઓ લેફટનન્ટ જનરલ રણબીર સિંહે જણાવ્યું હતું, ‘આ હુમલા બુધવારે રાત્રે તેમના અડ્ડાઓ પર કરાયા હતા, આતંકવાદીઓ નિયંત્રણ રેખા પર એકત્ર થઇ રહ્યા હોવાની પાકી બાતમી મળ્યા બાદ આ પગલું ભરાયું હતું.’
આ હુમલો બુધવારે મધરાતે બેથી ચાર વાગ્યાના અરસામાં કરાયો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ લશ્કરી કાર્યવાહી પૂર્વે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે આજે વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને રાજકીય પક્ષોના વડાઓને ફોન કરીને આ લશ્કરી કાર્યવાહીની જાણકારી આપી હતી.
લેફ. જનરલ રણબીર સિંહે એમ પણ કહ્યું હતું કે આ અંગે પાકિસ્તાનના ડીજીએમઓને આ અંગે માહિતી આપવામાં આવી છે અને તેમણે જણાવાયું છે કે સ્ટ્રાઇક્સ પૂરી થઇ ગઇ છે અને હાલ આ કાર્યવાહી ચાલુ રખાશે નહીં. સમાચાર એજન્સી એએનઆઇના અહેવાલ અનુસાર, ભારત સરકારે આ મુદ્દે ચર્ચા કરવા માટે તમામ રાજકીય પક્ષોની એક બેઠક આજે સાંજે ચાર વાગ્યે યોજી છે.
ભારતીય સેનાના આ હુમલા અંગે લેફ. જનરલ રણબીર સિંહે કહ્યું હતું કે ભારત કોઇ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તેમનું કહેવું હતું કે આતંકવાદીઓનો ઇરાદો ભારતમાં ઘુસીને મહત્ત્વના શહેરો ઉપર હુમલો કરવાનો હતો. તેમના મતે પુંચ સેક્ટરમાં જ સપ્ટેમ્બરમાં ઘુસણખોરના લગભગ ૨૦ પ્રયાસો થયો હતા, જેને ભારતીય લશ્કરે નિષ્ફળ બનાવ્યા હતા. લેફ. જનરલ રણબીર સિંહે કહ્યું હતું કે આમાંથી કેટલાકને પકડી લેવામાં પણ સફળતા મળી હતી, જેમણે કબૂલ્યું હતું કે તેમને પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં તાલીમ આપવામાં આવી હતી. આ પછી તેમને શસ્ત્રો આપવામાં આવ્યા હતા.
ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇકના અહેવાલ બાદ શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. એક તબક્કે સેન્સેક્સ ૫૫૫ પોઇન્ટ જ્યારે નિફ્ટીમાં ૧૭૦ પોઇન્ટ તૂટ્યો હતો. જોકે બાદમાં સેન્સેક્સમાં સુધારો નોંધાયો હતો.
ભારતનો અત્યાચારઃ પાકિસ્તાન
પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે ગોળીબાર રાત્રે અઢી વાગ્યાથી શરૂ થયો હતો અને સવારે આઠ વાગ્યા સુધી ચાલુ રહ્યા હતા. પાકિસ્તાની સેનાના કહેવા પ્રમાણે અંકુશ રેખા પર ‘કોઇ પણ પ્રકારની ઉશ્કેરણીજનક વગર જ’ ભારત તરફથી ભિમ્બર, હોટ સ્પ્રિંગ, કેલ અને લીપા સેક્ટરમાં ફાયરિંગ થયું હતું. પાકિસ્તાની સેનાએ એવો પણ દાવો કર્યો હતો કે ‘ભારત તરફથી કોઇ સર્જિકલ સ્ટ્રાઇલ નથી થઇ, આ તો સીમા પારથી ફાયરિંગ હતું, જે અગાઉ પણ થતું રહ્યું છે.’
પાકિસ્તાની સેના તરફથી જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવાયું છેઃ ‘જો પાકિસ્તાનની ધરતી પર કોઇ સર્જિકલ સ્ટ્રાઇક થશે તો તેનો આકરો જવાબ આપવામાં આવશે.’
પાકિસ્તાનની ચેનલ પીટીવીના અહેવાલ અનુસાર, વડા પ્રધાન નવાઝ શરીફે ‘ભારતના ખુલ્લા અત્યાચાર’ની આકરા શબ્દોમાં નિંદા કરી છે અને ‘માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે.’
બીબીસીના અહેવાલમાં જણાવાયું હતું કે નવાઝ શરીફે ભારતીય સેનાના હુમલાની નિંદા કરી છે, જેમાં બે પાકિસ્તાની સૈનિકોના મૃત્યુ થયા છે.
શરીફે કહ્યું હતું કે શાંતિની અમારી ઇચ્છાને કમજોરી સમજવી જોઇએ નહીં. અમારા સૈનિક સરહદની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે.