વોશિંગ્ટન: ટ્વિટરના વેચાણ બાદ એવી અટકળ તેજ થઈ રહી છે કે કંપનીના સીઈઓ પદેથી યુવા ભારતીય ટેક્નોક્રેટ પરાગ અગ્રવાલની વિદાય થઈ શકે છે. પરાગ અગ્રવાલનું એક નિવેદન પણ કંઇક આવી જ બાબતનો સંકેત આપે છે.
પરાગે કંપનીના કર્મચારીઓને જણાવી દીધું છે કે કંપનીનું ભવિષ્ય હવે અનિશ્ચિત છે. તેમણે જણાવ્યું હતું કે એલન મસ્કના નેતૃત્વમાં ટ્વિટરનું ભવિષ્ય અંધકારમય છે. કોઈને એ બાબતની પણ જાણ નથી કે ટ્વિટર હવે કઈ દિશામાં જશે. અગ્રવાલે એક ટાઉનહોલ બેઠકમાં આ લાગણી વ્યક્ત કરી હતી.
પરાગે અગ્રવાલે જણાવ્યું હતું કે, ટ્વિટરનો એક ઉદ્દેશ અને પ્રાસંગિકતા છે, જે સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે. પરાગ અગ્રવાલે નવેમ્બર 2021માં ટ્વિટરના સીઈઓ તરીકે કમાન સંભાળી હતી. એક અહેવાલ અનુસાર જો પરાગ અગ્રવાલને તેની નિમણૂકના 12 મહિના અગાઉ જ હોદ્દા પરથી હટાવવામાં આવશે તો કંપનીએ તેને 42 મિલિયન ડોલર એટલ કે રૂ. 321 કરોડનું વળતર ચૂકવવું પડશે. પરાગ પાછલા 10 વર્ષથી ટ્વિટરનો હિસ્સો છે અને સીઇઓ બન્યા તે અગાઉ કંપનીમાં ચીફ ટેકનીકલ ઓફિસર (સીટીઓ) તરીકે કાર્યભાર સંભાળતા હતા.
છટણીની કોઇ યોજના નથીઃ પરાગ અગ્રવાલ
ટાઉનહોલ બેઠકમાં જ્યારે પૂછવામાં આવ્યું કે એલન મસ્કના નેતૃત્વમાં ટ્વિટરમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવશે ખરી? ત્યારે પરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે હાલના તબક્કે કોઈને હટાવવાની યોજના નથી. જોકે સાથે સાથે સ્વીકાર કર્યો હતો કે તેમની પાસે તમામ જવાબો નથી કેમ કે તે અનિશ્ચિતતાનો દોર છે. એક સ્વતંત્ર બોર્ડ અધ્યક્ષ બ્રેડ ટેલરે જણાવ્યં હતું કે ડીલ ક્લોઝ થયા બાદ ટ્વિટર એક પ્રાઈવેટ હોલ્ડિંગ કંપની બની જશે તે સાથે જ કંપનીનાં બોર્ડને પણ વિખેરી નાંખવામાં આવશે.
શું પરાગ અગ્રવાલમાં ભરોસો નથી?
નોંધનીય છે કે એલન મસ્ક કંપનીને ટેઇકઓવર કરતાં અગાઉ જ કહી ચૂક્યા છે કે તેમને ટ્વિટરના મેનેજમેન્ટ પર ભરોસો નથી. ટેસ્લાના સીઈઓને આ પ્લેટફોર્મ વેચવાનો નિર્ણય પણ એ બાબતો પણ સંકેત આપે છે કે બોર્ડને પરાગ અગ્રવાલની ક્ષમતાઓમાં ભરોસો રહ્યો નથી, કેમ કે તે કંપનીના પૂરતા પ્રમાણમાં નફો રળી આપતા નથી.
જેક ડોર્સીએ મસ્કનો નિર્ણય આવકાર્યો
ટ્વિટર ખરીદવાના એલન મસ્કના નિર્ણયને કંપનીના સહસ્થાપક જેક ડોર્સીએ પણ આવકાર આપ્યો છે તે નોંધનીય છે. તેમણે અનેક ટ્વિટ કરીને જણાવ્યું કે એલન મસ્ક ટ્વિટર માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે. એલન મસ્ક એકમાત્ર સમાધાન છે, અને મને તેના મિશન પર ભરોસો છે.