ન્યૂ યોર્કઃ વિશ્વનાં અબજોપતિ તેમજ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી જગવિખ્યાત કંપનીઓના માલિક એલન મસ્કની સંપત્તિમાં એક જ ઝાટકે ૧૫.૨ બિલિયન ડોલરનું ધોવાણ થયું હતું. ટેસ્લાનાં શેરનાં ભાવ ઘટતા તેમજ ટેક્નોલોજી શેરનાં ભાવ ગગડતા મસ્કની સંપત્તિમાં ગયા શુક્રવારે રૂ. ૧,૧૩,૨૦૮ કરોડનું ગાબડું પડયું હતું. વધતી મોંઘવારી તેમજ આર્થિક તંગીને કારણે ટેક્નોલોજી શેરોમાં ઘટાડો થયો હતો. જેની સૌથી માઠી અસર ટેસ્લા પર જોવા મળી છે.
બેજોસની સંપત્તિમાં ૨.૭ બિલિયન ડોલરનો ઘટાડો
બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ ટેસ્લાનાં શેરનાં ભાવ ઘટવાથી શુક્રવારે એલન મસ્કની સંપત્તિ ઘટીને ૨૬૮.૯ બિલિયન ડોલર થઈ હતી. આગલા જ દિવસે મસ્કની મિલકત ૨૮૪ બિલિયન ડોલર હતી. વિશ્વનાં અન્ય અમીરોની સંપત્તિમાં પણ ઘટાડો નોંધાયો હતો જેમાં એમેઝોનનાં જેફ બેજોસની સંપત્તિમાં ૨.૭ બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. એમેઝોનનાં શેરમાં ૧.૪ ટકાનો ઘટાડો થયો હતો. જેને કારણે જેફ બેજોસની સંપત્તિ ૧૯૫ અબજ ડોલર થઈ હતી. અમેરિકાનાં ટોચનાં ૧૦ ટેક્નોલોજી બિલિયોનેર્સની કુલ સંપત્તિમાં સંયુક્ત રીતે ૨૭.૪ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.