એલોન મસ્કની ટ્વિટરને ખરીદવા 43 બિલિયન ડોલરની ઓફરઃ કંપનીએ ટેઇકઓવરથી બચવા પોઇઝન પિલ સ્ટ્રેટેજી અપનાવી

Wednesday 20th April 2022 05:27 EDT
 
 

ન્યૂ યોર્ક: દુનિયાના સૌથી મોટા ધનકુબેર એલોન મસ્કે સોશિયલ મીડિયા પર ‘ફ્રી સ્પીચ’ના નામે વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને 43 બિલિયન યુએસ ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી. જોકે, સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના બોર્ડે મસ્કની આ ઓફર ફગાવી દીધી છે.
એટલું જ નહીં, બોર્ડ-હિસ્સેદારોની ઈચ્છા વિરુદ્ધ ટ્વિટરને ટેકઓવર કરવાના એલોન મસ્કના પ્રયાસને વધુ મુશ્કેલ બનાવવા માટે કંપનીએ પોઈઝન પીલ વ્યૂહરચના અપનાવી છે. વધુમાં, મસ્ક એક જ સપ્તાહમાં ટ્વિટરના મોટા હિસ્સેદાર નથી રહ્યા. હવે ટ્વિટરમાં સૌથી મોટો હિસ્સો અમેરિકન કંપની વેનગાર્ડનો છે.
પોઇઝન પીલ સ્ટ્રેટેજી શું છે?
મસ્કની ઓફર સ્વીકારવાના બદલે ટ્વિટરે કંપનીને બચાવવા માટે શેરહોલ્ડર રાઈટ્સ પ્લાનનો અમલ કરવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું છે. શેરહોલ્ડર રાઈટ્સ પ્લાન કંપની જગતમાં પોઈઝન પીલ વ્યૂહરચના તરીકે પણ ઓળખાય છે, જેમાં બજારમાં વધુ શેર ઊભા કરીને અથવા અન્ય વર્તમાન હિસ્સેદારોને ડિસ્કાઉન્ટ કિંમતે વધુ શેર ખરીદવાની તક આપીને કંપની હસ્તગત કરવાનો ઇરાદો ધરાવતી વ્યક્તિનો હિસ્સો ઘટાડે છે. આમ કંપની તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મરજી વિરુદ્ધનું હસ્તાંતરણ અટકાવે છે. ટૂંકમાં, આ પગલાંથી મસ્કે હવે ટ્વિટર ખરીદવું જ હોય તો તેમની ઓફરને 43 બિલિયન ડોલરથી ઘણી વધારવી પડશે.
‘ટ્વિટરને બેસ્ટ અને ફાઇનલ ઓફર’
ટ્વિટરને ખરીદવા માટે એલોન મસ્કે 43 અબજ ડોલર એટલે કે અંદાજે 3.2 લાખ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મસ્ક સામેલ નહીં થાય તેવી ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલની જાહેરાત પછી દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિએ ટ્વિટર મેનેજમેન્ટને પત્ર લખીને ટ્વિટર ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
એલોન મસ્કે ટ્વિટરના મેનેજમેન્ટને પત્ર લખીને એક શેર દીઠ 54.20 ડોલર એટલે કે અંદાજે 43 બિલિયન ડોલર આપવાની તૈયારી બતાવીને ઉમેર્યું હતું કે ટ્વિટરને આ તેમના તરફથી બેસ્ટ અને ફાઈનલ ઓફર છે. ટ્વિટરે નિયમિત સાપ્તાહિક અપડેટમાં આ બાબતની જાણકારી આપી હતી.
વાણીસ્વાતંત્ર્ય માટે ટ્વિટર અનિવાર્ય
મસ્કે ઓફર સાથેના પત્રમાં લખ્યું હતું કે મેં જ્યારથી ટ્વિટરમાં રોકાણ કર્યું છે ત્યારથી મને લાગે છે કે ટ્વિટરમાં પરિવર્તનની જરૂર છે. અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટે ટ્વિટરમાં ઘણી શક્યતાઓ છે. ટ્વિટર એક સબળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેની વાણી સ્વાતંત્રતા માટે દુનિયાને બહુ જ જરૂર છે.
લોકશાહીના જતન માટે અભિવ્યક્તિની આઝાદી ખૂબ જ જરૂરી છે. કંપની યુઝર્સની જરૂરિયાત પ્રમાણે ઘણાં ફેરફારો કરતી નથી એટલે કંપનીને એવી રીતે વિકસાવવી જોઈએ.
મસ્કે થોડાક સમય પૂર્વે જ ટ્વિટરમાં 9 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તેના કારણે ટ્વિટરમાં એડિટ બટન આપવા સહિતના ફેરફારો હવે અમલમાં મૂકાશે એવી અટકળો હતી. સાથે સાથે ટ્વિટર બોર્ડમાં તેમની એન્ટ્રી થશે એવા અહેવાલો પણ વહેતા થયા હતા.
જોકે તાજેતરમાં જ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે એલોન મસ્કે બોર્ડમાં સામેલ થવાની અનિચ્છા દર્શાવી છે. જોકે, ટ્વિટર બોર્ડ તેમના સૂચનોને ગંભીરતાથી ધ્યાનમાં લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter