ન્યૂ યોર્કઃ એમ જ કહેવાય છે ને કે મુસીબતના સમયે મદદે આવે તે જ સાચો મિત્ર. આ જૂની કહેવત એશિયન-અમેરિકન હોટેલમાલિકોએ યુએસમાં કોરોના મહામારીના લોકડાઉનમાં અટવાઈ પડેલા ભારતીય વિદ્યાર્થીઓની વહારે ચડી ચરિતાર્થ કરી છે. હોટેલિયર્સે જરૂરતમંદ વિદ્યાર્થીઓને મફત નિવાસ અને ઘણા કિસ્સામાં ફૂડ માટે પોતાની પ્રોપર્ટીના બારણાં ખુલ્લાં મૂકી દીધા છે. માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓ પાસેનો સ્ટોક, નાણાનો પૂરવઠો ખલાસ થવા સાથે માથા પરની છત પણ ગુમાવી હતી.
આ સમયે આશરે ૭૦૦ હોટેલ્સના ૫,૦૦૦થી વધુ રૂમ તેમના માટે ખોલી દેવાયા હતા. ભારતીય દૂતાવાસે યુએસમાં ૨૫૦,૦૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ માટે ૨૪ કલાક ચાલતી હેલ્પલાઈન શરૂ કરી છે. આ હોટલોનું સ્થળ મુખ્યત્વે યુનિવર્સિટીઓ અને કોલેજોની નજીક જ હોવાથી વિદ્યાર્થી માટે તે આદર્શ અને સલામત સ્થળ બની રહેલ છે. એશિયન કોમ્યુનિટીના અગ્રણીઓએ આ ઉમદા હેતુ માટે એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)નો પણ સાથ-સહકાર મેળવ્યો છે અને સમગ્ર યુએસમાં એશિયન મૂળના હોટેલ માલિકો પણ તેમા સારો પ્રતિસાદ આપી રહ્યા છે.
યુએસસ્થિત ભારતીય એમ્બેસેડર તરનજિત સિંહ સાન્ધુએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘ભારતીય, ભારતીય અમેરિકન અને અન્ય હોટેલમાલિકો આ કપરાં કાળમાં રહેવાસની વ્યવસ્થા સાથે લોકોની મદદે આગળ આવી રહ્યા છે તે હૃદયસ્પર્શી બાબત છે. આપણે સાથે મળીને કોવિડ-૧૯ સામેનો જંગ જીતી શકીશું.’
વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે. પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાતી-ભારતીય મૂળના માલિકો તેમજ ભારતના અન્ય વિસ્તારોના હોટેલ્સ અને મોટેલ્સની માલિકી ધરાવનારાઓએ મદદ માગનારા વિદ્યાર્થીઓને ખુલ્લા દિલે આવકાર્યા છે.’
ભારતીય અમેરિકન હોટેલિયર દંપતી કે.કે. મહેતા અને ચંદ્રા મહેતાએ તેમની બે પ્રોપર્ટીમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ૧૦૦થી વધુ રુમ્સ ઓફર કર્યા છે. તેમની હોટેલ્સ ન્યૂ યોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર અને બાર્કલેઝ સેન્ટર નજીક આવેલી હોવાનું હોટેલ્સ વતી પ્રેમ ભંડારીએ જણાવ્યું હતું.
ન્યૂ યોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આ બાબતે ૧૦ દિવસ અગાઉ દંપતીનો સંપર્ક કરાયો હતો. ભંડારીના જણાવ્યા અનુસાર તેમણે જણાવ્યું હતું કે,‘ આ વિદ્યાર્થીઓ ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ, બંનેનું ભવિષ્ય છે. તમામ ઉચ્ચ ભારતીય અમેરિકન સીઈઓઝ, વિજ્ઞાનીઓ અને ડોક્ટર્સ વિદ્યાર્થી તરીકે જ આ દેશમાં આવ્યા હતા. અમારી પાસેના સ્રોતોથી તેમને મદદ કરવી તે અમારી નૈતિક ફરજ છે.’
અન્ય હોટેલિયર્સે જણાવ્યું હતું કે તેમણે હોટેલોના મળી શકે તેવા રુમ્સની માસ્ટર યાદી તૈયાર કરી છે અને તેમાં સતત અપડેટ કરાતું રહે છે. ભારતીય એમ્બેસી અને તેના કોન્સ્યુલેટ્સ સાથે સંકલન દ્વારા રહેઠાણની મફત ફાળવણી કરવામાં આવશે.