એશિયાના મોસ્ટ એલિજિબલ બેચલરમાંના એક એવા બ્રુનેઈના પ્રિન્સ અબ્દુલ મતીનના શાનદાર લગ્નએ આકર્ષણ જમાવ્યું છે. તેમણે દેશની રાજધાની બંદાર સેરી બેગાવનમાં સોનાના ગુંબજવાળી સુલ્તાન ઉમર અલી સૈફૂદ્દીન મસ્જિદમાં રાજપરિવારની નહીં પરંતુ, એક સામાન્ય નાગરિક સાથે લગ્ન કર્યા છે. લગ્નનો આ કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલવાનો છે. પોલો ખેલાડી અને ટ્રેઇન્ડ પાઈલોટ એવા 32 વર્ષીય પ્રિન્સ અબ્દુલ મતીન અને 29 વર્ષીય અનીશા રોસ્ના ઈસા કાબેલિકના લગ્ન સમારંભના વિવિધ ફંક્શન્સ 1,788 રૂમવાળા આલિશાન મહેલમાં યોજાઈ રહ્યાં છે. નવવધૂ ઈસા સુલતાનના વિશેષ સલાહકાર અને રોયલ બ્રુનેઈ એરલાઈન્સના સંસ્થાપકના અધ્યક્ષની પૌત્રી અને ફેશન બ્રાન્ડની માલિક છે. બ્રુનેઈ રાજ પરિવારની કુલ સંપત્તિ લગભગ રૂ. 2.30 લાખ કરોડ છે. પ્રિન્સ અબ્દુલ મતીનના પિતા સુલ્તાન હસનલ બોલ્કિયાના રાજ પરિવારની ગણના વિશ્વના સૌથી ધનિક રાજ પરિવારમાં થાય છે. રાજ સિંહાસનના દાવેદારોમાં પ્રિન્સ મતીન સાતમા ક્રમે હોવાથી તેમની રાજા બનવાની સંભાવના ખૂબ જ ઓછી છે.