ક્વિંગડાઓઃ ચીન અને રશિયાની આગેવાની હેઠળ દસમી અને અગિયારમી જૂને યોજાયેલા ૧૮મા શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલનમાં આ બંને સહિતના આઠ સભ્ય દેશો ભારત, પાકિસ્તાન, કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તઝાકિસ્તાને આગામી ત્રણ વર્ષમાં એક નવા જોમ સાથે આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરવાદ સામે લડવાનું આહ્વાન કર્યું હતું. જોકે આ સમીટમાં ભારતે એસસીઓમાં ચીનના મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ (ઓબીઓઆર) પ્રોજેક્ટને સમર્થન નહીં આપીને મક્કમ વલણ દાખવ્યું છે, પણ આ ઓર્ગેનાઇઝેશનના અન્ય દેશો રશિયા, પાકિસ્તાન, કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તઝાકિસ્તાને ચીનને સમર્થન આપ્યું છે. જાણવાની વાત એ છે કે ચીને આ પ્રોજેક્ટ માટે ૮૦ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સમજૂતી કરી છે. ભારતે તેમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે એસસીઓ સમીટ પહેલાં મોદી અને જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠક યોજાઈ હતી.
બેઠક પહેલાંની બેઠક
બેઠકમાં ભાગ લેવા ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છ અઠવાડિયાના અંતરાલ પછી ચીનના પ્રમુખ શી જિનપિંગને એસસીઓની બેઠક પહેલાં અનૌપચારિક રીતે મળ્યા હતા. જ્યાં મોદીએ જિનપિંગ સાથેની અગાઉની વુહાન મુલાકાતને યાદ કરીને કહ્યું હતું કે, ભારત અને ચીનના મજબૂત અને સ્થિર સંબંધોથી દુનિયાને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. અનૌપચારિક મુલાકાત પછી બંને નેતાઓએ સંબંધોને ફરી એક વખત ગતિશીલ બનાવવા પર ભાર મૂક્યો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે ચીની પ્રમુખે આવતાં વર્ષે વુહાન શિખરની જેમ જ ભારતમાં અનૌપચારિક બેઠક માટે મળેલાં નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. છેલ્લાં ૪ વર્ષમાં બંને દેશના નેતાઓ ૧૪ વખત મળ્યા હતા. આ બેઠકમાં ચીન અને ભારત વચ્ચે વેપાર અને રોકાણ વધારવા પણ ભાર મુકાયો હતો.
સંમેલનના સમાપન પછીના ઘોષણાપત્રમાં કહેવાયું હતું કે સભ્ય દેશોએ યુરેશિયન ઇકોનોમિક યુનિયનના વિકાસ સહિત બીઆરઆઇના અમલીકરણની દિશામાં કરાયેલા સંયુક્ત પ્રયાસો બદલ ખુશી જાહેર કરી છે. આ ઉપરાંત એસસીઓના સ્પેસમાં એક વ્યાપક, મુક્ત, પારસ્પરિક રીતે લાભદાયક અને સમાન ભાગીદારીને વિકસિત કરવા માટે ક્ષેત્રીય દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને બહુપક્ષીય સંઘોની ક્ષમતાની પણ વાત કરાઇ છે.
ચીનના ઓબીઓઆર પ્રોજેક્ટ અંગે મોદીએ કહ્યું હતું કે કોઇ પણ મોટા સંપર્ક સવલત પ્રોજેક્ટમાં સભ્ય દેશોની સાર્વભૌમત્વ અને અખડિતતાનું સન્માન થવું જોઇએ. એની સાથે જ તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે તમામને સામેલ કરવાના તમામ પાસાઓ માટે ભારત તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.
ઉલ્લેખનીય છે કે ભારત ઓબીઓઆરનો સતત આકરો વિરોધ કરતો રહ્યો છે. એ એટલા માટે કેમ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો એક ભાગ ૫૦ અબજ ડોલરના ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરથી પસાર
થાય છે.
ચીને ૨૦૧૩માં આ પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરી હતી. જેનો હેતુ દક્ષિણપૂર્વી એશિયા, સેન્ટ્રલ એશિયા, ગલ્ફ રિજન, આફ્રિકા અને યુરોપનો રોડ અને દરિયાના નેટવર્ક સાથે જોડે છે.
જોકે કેટલાક દેશોને આશંકા છે કે આ પ્રોજેક્ટના બહાને ચીન વૈશ્વિક રીતે પોતાનો પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યું છે. જિનપિંગની હાજરીમાં મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત ચાબહાર બંદર અને અશગાબાદ (તુર્કમેનિસ્તાન) સમજૂતીની સાથે આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર પ્રોજેક્ટમાં સામેલ છે.
જી-૭માં યુએસ એકલું
વિશ્વના બે ખૂણામાં અત્યારે બે સૌથી મહત્ત્વની રાજકીય બેઠકોનો દોર ચાલ્યો છે. એકબાજુ કેનેડાના ક્યુબેકમાં જી૭ રાષ્ટ્રોની બેઠક યોજાઈ રહી હતી. બીજીબાજુ ચીનના ક્વિંગડાઓમાં એસસીઓ સમિટ યોજાઈ હતી. એશિયાના ત્રણ મોટા દેશ ભારત, ચીન અને રશિયા પારસ્પરિક સહયોગ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. બીજીબાજુ જી૭માં અમેરિકા એટલું એકલું પડી ગયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સમીટ છોડીને સિંગાપોર જતા રહેવું પડ્યું હતું.
મોદી દ્વારા બે મહત્ત્વના મુદ્દા
• આતંકવાદ: મોદી દ્વારા સમીટમાં અફઘાનિસ્તાન માટે શાંતિની પહેલની વાત થઈ. મોદીએ આતંકવાદ મુદ્દે પાક.ને આડે હાથ લીધું અને કહ્યું કે ભારતની સલામતી સાથે સમજૂતી નહીં કરાય. અફઘાનિસ્તાન આતંકવાદના પ્રભાવનું દુર્ભાગ્યપૂર્ણ ઉદાહરણ છે. અશરફ ગનીએ શાંતિ માટે જે પગલાં ઉઠાવ્યા છે, તેનું ક્ષેત્રના બધા દેશો સન્માન કરશે.
• પ્રવાસનઃ એસસીઓ દેશો સમક્ષ ભારતમાં પ્રવાસીઓની માગ બાબતે મોદીએ કહ્યું કે ભારત આવતા વિદેશી પ્રવાસીઓમાં માત્ર ૬ ટકા જ એસસીઓ દેશોમાંથી આવે છે. આ સંખ્યા બમણી થઈ શકે છે. આપણી સંયુક્ત સંસ્કૃતિ અંગે જાગૃતિ વધવાથી તેમાં વધારો થઈ શકે છે. ભારતમાં એસસીઓ ફૂડ ફેસ્ટીવલ, બૌદ્ધ ફેસ્ટિવલ યોજીશું.
ભારતને શું લાભ?
• એસસીઓમાં ચીન, રશિયા બાદ ભારત ત્રીજો મોટો દેશ છે. એસસીઓ દુનિયાના મોટા પ્રાદેશિક સંગઠનોમાંથી એક છે. તેની સાથે જોડાવાથી ભારતને વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિએ લાભ થશે. ભારત એસસીઓ મંચને માધ્યમ બનાવીને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સભ્ય દેશો વચ્ચે ઉઘાડું પાડી શકશે.
• એસસીઓમાં ભાગ લેવાથી ભારત ચીનના સંબંધ આગામી વર્ષોમાં વધુ સારા થશે. તેની અસર છે કે ભારત અને ચીન વચ્ચે બ્રહ્મપુત્રના પાણીના ડેટા અંગે કરાર થયા. ચોખા અને અન્ય કૃષિ ઉત્પાદનોની નિકાસ અંગે પણ નવી નીતિ ઘડાઈ છે. દવાઓ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ સહયોગ વધારવા પર વાત થઈ છે.
સમીટનું મહત્ત્વ
• તે સભ્ય દેશો વચ્ચે સુરક્ષાસહયોગ વધારે છે. • આતંકવાદ અને ખાસ કરીને આઈએસના આતંકીઓનો સામનો કરવા તે મદદરૂપ છે. • સભ્ય દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારે છે.