કેરોઃ ઇજિપ્તના પિરામિડ એ દુનિયાની અજાયબીમાંના એક ગણાય છે. ઇજિપ્તના પિરામિડ પર ચઢવું એ સજાપાત્ર ગુનો છે. દુનિયાભરના સહેલાણીઓ કેરોના ગ્રેટ ગીઝા પિરામિડ જોવા જતા હોય છે. એકાદ વીક અગાઉ (નવેમ્બરમાં) ડેન્માર્કથી એક યુગલ ઇજિપ્તના આ પિરામિડ જોવા ગયું હતું એમાં એડ્રીસ વીડે નામનો યુવક ફોટોગ્રાફર હતો. કેટલાક પ્રેમીપંખીડાં એટલાં પ્રેમમાં પાગલ હોય છે કે બિનધાસ્તપણે હદ વટાવતાં કોઇની શેહશરમ રાખતાં નથી. ડેન્માર્કના આ યુગલે પણ હદ વટાવી એવી હરકત કરતાં માત્ર ઇજિપ્તમાં જ નહિ પણ જગતભરમાં એમનું કરતૂત પ્રકાશમાં આવ્યું છે.
ઇજિપ્તના પાટનગર કેરો નજીક ત્રણ પિરામિડ સાથે ઉભા છે એમાં જે ગીઝાનો સૌથી ઉંચો કિઓશ પિરામીડ છે એના ઉપર મધરાત્રે આ એન્ડ્રીસ વીડે અને એની પ્રેમિકા ચઢી ગયાં અને એની ટોચ પર જઇ બન્ને જણે કપડાં કાઢી અશ્લીલ હરકતો કરતો વીડિયો કરી અને ફોટોગ્રાફ પાડ્યા. આટલેથી અટક્યા વગર એન્ડ્રીસે આ તસવીરો અને વિડિયો ફેસબુક અને યુટયુબમાં વાયરલ કર્યો. વિડિયોમાં આ યુગલ કેરો શહેરની રોશનીના ઉજાસમાં જે અશ્લીલ હરકતો કરે છે એ સ્પષ્ટ જોઇ શકાય છે. ટેકરા પર આવેલા આ ઉંચા પિરામીડની બાજુમાં બીજા પિરામીડ પણ જોઇ શકાય છે.
જે દેશમાં મહિલાઓને બુરખામાં રહેવાનો રિવાજ હોય અને કોઇપણ જણ જાહેરમાં નગ્નાવસ્થામાં ફરી ના શકે એવો કડક કાયદો હોય ત્યાં આ યુરોપિયન યુગલે નગ્નાવસ્થામાં ગાંડપણ આચર્યું એથી ઇજિપ્તના એન્ટીક્વીટીસ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સોશ્યલ મિડિયા ઉપર પ્રસારિત વિડિયો ફિલ્મમાં આ બે વિદેશી રાત્રે પિરામીડ પર ચઢતા જોવા મળે છે ત્યારબાદ તેઓએ જે તસવીર લીધી છે એ સાર્વજનિક નૈતિકતાનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કર્યું છે. દિવસે આ ગીઝાના પિરામીડની ફરતે સતત સિકયુરીટીવાળા ફરતા હોય છે પણ રાત્રિ દરમિયાન ત્યાં કોઇ સિકયુરીટી હોતી નથી.
આપણા ઐતિહાસિક સ્થળો કે ધર્મસ્થાનો પર પણ પાગલ યુગલો આવી અશ્લીલ હરકતો ના આચરે તે માટે હંમેશા સજાગ રહેવું જોઇએ.