લંડનઃ યુરોપિયન યુનિયનથી અળગા થવાના જનતાના ઐતિહાસિક રેફરન્ડમ પછી બ્રિટિશ સાંસદોએ બ્રેક્ઝિટ મુદ્દે આર્ટિકલ-૫૦ હેઠળ પ્રક્રિયા આરંભવાના થેરેસા સરકારના નિર્ણયને બ્રેક્ઝિટ બિલના હાઉસ ઓફ કોમન્સમાં બીજા વાચનમાં ૪૯૮ વિરુદ્ધ ૧૧૪ મતથી અનુમોદન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયા શરુ કરવા પાર્લામેન્ટની મંજૂરી આવશ્યક હોવાનો ચુકાદો આપ્યાના પગલે સરકારે બ્રેક્ઝિટ બિલ રજૂ કર્યું હતું. પ્રથમ રીડિંગમાં એમેન્ડમેન્ટ્સ રજૂ કરી બિલને અવરોધવાના પ્રયાસને ૩૩૬ વિરુદ્ધ ૧૦૦ મતથી નિષ્ફળ બનાવાયો હતો. બિલનો વિરોધ કરવામાં લેબર, સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) અને લિબરલ ડેમોક્રેટ્સ સભ્યોનો સમાવેશ થયો હતો. બિલને ટેકો આપવાના લેબર નેતા જેરેમી કોર્બીનના વ્હીપને અવગણી ૪૭ સાંસદોએ વિરુદ્ધ મતદાન કરતા લગભગ બળવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ સંસદીય બહાલીના પગલે સરકારે જાહેર કરેલા બ્રેક્ઝિટ ટાઈમ ટેબલને પણ ત્રીજા વાચનમાં મંજૂરી અપાઈ હતી, જે અનુસાર પ્રક્રિયાનો સત્તાવાર આરંભ નવ માર્ચથી કરવામાં આવશે.
આર્ટિકલ-૫૦ હેઠળ બ્રેક્ઝિટ પ્રક્રિયાનો આરંભ અવરોધવાના પ્રયાસને નિષ્ફળ બનાવી બ્રિટિશ પાર્લામેન્ટે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાના જૂન ૨૩ના ઈયુ રેફરન્ડમના પરિણામને જંગી સરસાઈથી ટેકો આપવા સાથે યુરોપિયન યુનિયન (નોટિફિકેશન ઓફ વિડ્રોઅલ) બિલના બીજા વાચનને ૪૯૮ વિરુદ્ધ ૧૧૪ મતથી પસાર કર્યું છે. બ્રેક્ઝિટ બિલની વિરુદ્ધ મતદાન કરનારા ૧૧૪ સાંસદોમાં SNPના ૫૦, લેબર પાર્ટીના ૪૭ અને લિબરલ ડેમોક્રેટ્સના સાત તેમજ ટોરી પાર્ટીના કેનેથ ક્લાર્ક સહિત અન્ય ૧૦ સભ્યનો સમાવેશ થયો હતો. બિલની ચર્ચા દરમિયાન, લેબર પાર્ટીના સભ્ય નીલ કોયલે ટોરી સાંસદોને ‘બાસ્ટર્ડ્સ’ શબ્દથી નવાજતા ગૃહમાં વિરોધ થયો હતો અને આખરે કોયલે માફી માગવી પડી હતી. ચેમ્બરમાં પરિણામ જાહેર કરાયું ત્યારે એક લેબર સાંસદે જોરથી ‘સ્યુસાઈડ’ શબ્દ ઉચ્ચાર્યો હતો.
વડા પ્રધાન થેરેસા મેએ જાહેર કર્યું હતું કે લાંબા સમયથી રાહ જોવાતાં વ્હાઈટ પેપરની પ્રસિદ્ધિ કરાશે, જેમાં લેન્કેસ્ટર હાઉસમાં તેમણે કરેલા પ્રવચનમાં ૧૨ મુદ્દાની યોજનાનો સમાવેશ થાય છે. થેરેસા મેએ કહ્યું હતું કે તેમની આ યોજનાથી બ્રિટન તેની સરહદો પરનો અંકુશ પાછો મેળવશે અને સિંગલ માર્કેટ તેમજ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસથી દૂર થશે.
બ્રેક્ઝિટ વોટની સફળતાનો અર્થ શુ?
સાંસદોએ ઐતિહાસિક મતદાનમાં બ્રેક્ઝિટ બિલને સમર્થન આપ્યા પછી આ પ્રક્રિયા અપરિવર્તનીય બની ગઈ છે. સૌપ્રથમ વખત કોમન્સ દ્વારા ઈયુમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા આરંભવા વડા પ્રધાનને સત્તા આપતા સૈદ્ધાંતિક બિલને ટેકો આપ્યો છે. ઈયુ બિલનું સેકન્ડ રીડિંગ કરાયું તે અગાઉ તેમાં સુધારાઓથી બિલને નિષ્ફળ બનાવવાના SNPના પ્રયાસને કોમન્સે ૩૩૬ વિરુદ્ધ ૧૦૦ મતથી ફગાવી દીધો હતો. ત્રીજા વાચનમાં બ્રેક્ઝિટ ટાઈમટેબલને પણ બહાલી મળી હતી.હવે આ બિલ આગામી સપ્તાહે વધુ ચકાસણી અર્થે કોમન્સમાં પરત આવશે. આ મહિનાના અંત સુધીમાં તે કાયદા બની જવાની ધારણા છે.
નવ માર્ચથી બ્રેક્ઝિટ પ્રક્રિયાનો સત્તાવાર આરંભ
વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ પ્રક્રિયાનો સત્તાવાર આરંભ કરવા નવ માર્ચનો દિવસ પસંદ કર્યો છે. તેમણે માર્ચના અંત સુધીમાં પ્રક્રિયાના આરંભની જાહેરાત અગાઉ કરી જ છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં મિનિસ્ટર્સે જાહેરાત કરી હતી કે યુરોપિયન યુનિયન (નોટિફિકેશન ઓફ વિડ્રોઅલ) બિલ સાત માર્ચ સુધીમાં સંસદમાં પસાર કરાવી લેવાનું સરકારનું લક્ષ્ય છે. જેના પરિણામે નવ અને ૧૦ માર્ચે યુરોપિયન નેતાઓની શિખર પરિષદમાં આર્ટિકલ-૫૦ના આરંભની તક વડા પ્રધાનને મળશે. આઠ માર્ચે બજેટની રજૂઆત પછી થેરેસા મે બ્રસેલ્સમાં યુરોપિયન નેતાઓને મળવા જશે ત્યારે બ્રેક્ઝિટ ટાઈમટેબલની માહિતી આપશે. પ્રક્રિયા હેઠળની મંત્રણા બે વર્ષ સુધી ચાલશે અને તેના પછી સુમેળપૂર્ણ બ્રેક્ઝિટ અને ઈયુ સાથે મુક્ત વેપાર સમજૂતી કરવાની આશા થેરેસા મે ધરાવે છે. જોકે, હાઉસ ઓફ લોર્ડ્સ સંસદીય ‘પિંગ-પોંગ’ તરીકે ઓળખાતી પદ્ધતિ અનુસરી શ્રેણીબદ્ધ સુધારા સાથે બિલને કોમન્સમાં પરત મોકલશે તો ટાઈમટેબલ ઘોંચમાં પડી શકે છે.