લંડનઃ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE)ના ૨૦૧૬-૧૭ માટેના વિશ્વ યુનિવર્સિટી ક્રમાંકોમાં યુકેની ધ ઓક્સફર્ડ યુનિવર્સિટી સૌપ્રથમ વખત પ્રથમ સ્થાને આવી છે, જ્યારે પાંચ વર્ષથી પ્રથમ સ્થાને આવતી કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી બીજા સ્થાને સરકી છે. પ્રથમ ૧૦ શ્રેષ્ઠ યુનિવર્સિટીની યાદીમાં કેમ્બ્રિજ અને ઈમ્પિરિયલ કોલેજ લંડન અનુક્રમે ચોથા અને આઠમા સ્થાને આવી છે. ટોપ ટેન યાદીમાં અમેરિકાની સ્ટેનફોર્ડ, હાર્વર્ડ અને પ્રિન્સટોન યુનિવર્સિટી તેમજ મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો પણ સમાવેશ થયો છે.
વિશ્વની ટોપ ૮૦૦ યુનિવર્સિટીઓમાં બ્રિટન શ્રેષ્ઠ ૮૮ શિક્ષણસંસ્થા સાથે દ્વિતીય સ્થાને છે, જે ગત વર્ષે ૭૮ સંસ્થા હતી. અમેરિકા પ્રથમ રહ્યું છે. યુરોપિયન યુનિયન છોડવાના બ્રેક્ઝિટ મત પછી યુકેમાં ઉચ્ચ શિક્ષણને ફટકો પડશે તેમજ વિશ્વકક્ષાના વિદ્વાનો અભ્યાસ કરાવવા નહિ મળે તેવી ચેતવણીઓ છતાં બ્રિટિશ યુનિવર્સિટીઓએ ભારે સફળતા મેળવી છે. આ ઉપરાંત, બ્રેક્ઝિટ પછી ઓવરસીઝ વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અરજી નહિ કરે અને ૪૦ ટકાથી વધુ વિદેશી વિદ્યાર્થી અન્ય દેશોમાં જઈ રહ્યાં હોવાના અભ્યાસ છતાં આ પરિણામો હાંસલ થયાં છે.
વિશ્વની ઉચ્ચ શિક્ષણ સંસ્થાના પાંચ ટકાનું પ્રતિનિધિત્વ કરતી ટોપ ૯૮૦ યુનિવર્સિટીના ગ્લોબલ રેન્કિંગ્સમાં યુકેની ૯૧ યુનિવર્સિટી છે. રેન્કિંગ માટે શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગની આવક સહિતના ક્ષેત્રો ધ્યાનમાં લેવાયાં હતાં. આવી સફળતા છતાં, યુકેની યુનિવર્સિટીઓ આવકના નિર્દેશાંકમાં પાછળ રહી છે. સંશોધનો માટે નાણા આપવામાં બિઝનેસીસની તત્પરતા અને ભંડોળ મેળવવા યુનિવર્સિટીની ક્ષમતાને ધ્યાનમાં લેતા યુકેની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ રેન્કિંગમાં ૧૨૭માં સ્થાને છે. બ્રિટિશ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ઓવરસીઝ વિદ્યાર્થીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળોમાં યુકે બીજા સ્થાને છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૪૯૩,૫૭૦ વિદેશી વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં નોંધાયા હતા, જે સંખ્યા પાંચ વર્ષ અગાઉ, ૪૧૫,૫૮૫ હતી. આમ પાંચ વર્ષમાં ૭૭,૯૮૫ વિદ્યાર્થી વધ્યા હતા.