નવી દિલ્હી: ૧૨ વીવીઆઇપી હેલિકોપ્ટર ખરીદવાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદામાં ચૂકવાયેલી કથિત કટકીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૯મીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાવો કર્યો હતો કે, ઈડીની પૂછપરછ દરમિયાન આ કેસમાં વચેટિયા એવા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલે મિસિસ ગાંધીનું નામ લીધું છે. ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે, ક્રિશ્ચિયન મિશેલે મિસિસ ગાંધીનું નામ લીધું છે પરંતુ તેણે કયા સંદર્ભમાં નામ લીધું તે અત્યારે કહી શકાય તેમ નથી. પૂછપરછ દરમિયાન મિશેલે ઇટાલિયન લેડીના પુત્રનું નામ પણ લીધું હતું અને તે કેવી રીતે ભારતનાં વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે તેની વાતો કરી હતી. ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે, ક્રિશ્ચિયન મિશેલે તેના વકીલ સાથે હાથ મિલાવતા સમયે એક કાગળનો ટુકડો સેરવી દીધો હતો. જ્યારે એ કાગળની તપાસ કરાઈ ત્યારે તેમાં સોનિયા ગાંધી સંબંધિત સવાલો લખેલાં હતાં. ઈડીએ કોર્ટમાં આરોપ મૂક્યો હતો કે, ક્રિશ્ચિયન મિશેલને બહારથી પાઠ ભણાવવામાં આવી રહ્યાં છે તેથી મિશેલને તેના વકીલ સાથે મળવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ક્રિશ્ચિયન મિશેલને વધુ ૭ દિવસની કસ્ટડીમાં મોકલી અપાયો હતો
ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે, ક્રિશ્ચિયન મિશેલ અને અન્ય લોકો વચ્ચેની વાતચીતમાં એક અગ્રણી વ્યક્તિનો ઉલ્લેખ કરાયો છે અને આ વ્યક્તિને ઇથી સંબોધિત કરાયા છે. અમારા માટે જરૂરી છે કે આ અગ્રણી વ્યક્તિ ઇ કોણ છે. તે જાણવા માટે અમને ક્રિશ્ચિયન મિશેલની વધુ આઠ દિવસની કસ્ટડીની જરૂર છે. અદાલતે ઈડીની વિનંતીનો સ્વીકાર કરતાં મિશેલને ૭ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
ભાજપનું કોંગ્રેસ પર હલ્લાબોલ
ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર કૌભાંડોની સરકાર રહી છે. પાણી, આકાશ અને ધરતી એમ બધે કૌભાંડ આચરાયાં છે. ચોર આટલો બધો શોર કેમ મચાવી રહ્યાં છે, આજ વાર્તાનું નામ છે. ચોર મચાએ શોર! પહેલાં આ કૌભાંડમાં દેશને બે જ નામની ખબર હતી. ફેમિલી અને એપી. હવે તેમાં બિગ મેન, સન ઓફ ઇટાલિયન લેડી, પાર્ટી લીડર, આર જેવા નામ પણ ઉમેરાયાં છે. આ તમામ નામ એક પરિવાર તરફ આંગળી ચીંધે છે. કોંગ્રેસની સરકારોએ વચેટિયાઓ વિના કોઇ સંરક્ષણ કરાર કર્યો નથી.
બીજી તરફ સીબીઆઈને એવી વિગતો દર્શાવતા દસ્તાવેજો મળ્યા છે કે જેમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપનીએ ભારતીયોને લાંચ આપવા માટે વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ અને હાશ્કેને કુલ ૫૪ મિલિયન યૂરો આપ્યા હતા, જેનું મૂલ્ય રૂ. ૪૩૨ કરોડ જેટલું થાય છે. કંપનીએ કુલ ૫૮ મિલિયન યૂરોની રકમ વચેટચિયાઓને આપી હતી, જેમાંથી ૫૪ મિલિયન યૂરો ભારતીયોને લાંચ પેટે આપવાના હતા. મિશેલ અને હાશ્કેએ ૮મી મે ૨૦૧૧ના રોજ દુબઈમાં જે કરાર કર્યો હતો તેમાં ૫૮ મિલિયન યૂરોનો ઉલ્લેખ કરાયો હતો. દુબઈમાં આ મિટિંગ બંને તરફના વચેટિયાઓ વચ્ચે રકમની ફાળવણી માટે મળી હતી, જેમાં એક તરફ મિશેલ અને તેની ટીમ હતી જ્યારે બીજી તરફ હાશ્કે, કાર્લો ગેરોસા અને ત્યાગીબ્રધર્સ હતા. મિશેલ દ્વારા ૪૨ મિલિયન યૂરોની રકમ તેની પાસે રાખવામાં આવી હતી, આથી હાશ્કે રાજી ન હતો. આ કાર્યમાં હાશ્કેને ફક્ત ૩૦ મિલિયન યૂરો જ મળતા હતા, જોકે આખરે એવી સમજૂતી કરાઈ હતી કે, મિશેલને ૩૦ મિલિયન યૂરો આપવા અને હાશ્કે તેમજ અન્ય વચેટિયા વચ્ચે ૨૮ મિલિયન યૂરો વહેંચી દેવી.