નવી દિલ્હીઃ દુનિયાભરમાં ઓમિક્રોન વેરિયન્ટ મુદ્દે મચેલા હોબાળા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથન કહે છે કે, ‘હાલ હોબાળો એ વાતથી ફેલાઈ રહ્યો છે કે, ઓમિક્રોન પર રસી કારગત નથી. ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો, ત્યારે પણ એવું જ કહેવાતું હતું કે, તે રસીને બિનઅસરકારક બનાવી દે છે. જોકે, એવું નથી. કોઈ પણ વેરિયન્ટ એવો ના થઈ શકે, જે રસીને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દે. જો શરીરમાં વાઈરસના કોઈ પણ વેરિયન્ટ માટે તૈયાર કરાયેલી રસીના કારણે એન્ટિબોડી હોય, તો તે વાઈરસથી બચાવશે જરૂર. કહેવાનો અર્થ એ છે કે, રસી દરેક વેરિયન્ટની મારક ક્ષમતાને થોડી ઘણી તો ઘટાડી જ શકે. જે લોકોએ હજુ સુધી રસી નથી લીધી, તેમણે મોડું કર્યા વિના લઈ લેવી જોઈએ.’
નવા વેરિયન્ટ સામે લડવા ડો. સ્વામીનાથન બે ઉપાય સૂચવે છે. એક તો જિનોમ સિક્વન્સિંગ અને બીજું, તમામ પ્રવાસીઓનું સ્ક્રીનિંગ અને સર્વેલન્સ. વિદેશી પ્રવાસીઓ પાસે નેગેટિવ રિપોર્ટ હોય તો પણ ચાર દિવસ પછી ફરી તપાસ જરૂરી છે. કોઈ વેરિયન્ટના કારણે કોઈ દેશના પ્રવાસીઓ પર પ્રતિબંધનો નિર્ણય સંપૂર્ણ કારગર નથી. જરૂરી નથી કે, આફ્રિકન દેશોમાં જ આ વેરિયન્ટ હોય. યાદીમાં નવા દેશ ઉમેરાઈ રહ્યા છે. આમ તમામ દેશના પ્રવાસીનું સ્ક્રીનિંગ જરૂરી છે.