ઓરેગોનથી વારાણસી અને ઓક્સફર્ડઃ સંસ્કૃત અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ

ક્રિસ્ટોફર ફ્લેમિંગ Tuesday 20th December 2016 12:47 EST
 
 

દર વખતે હું ઓક્સફર્ડમાં મારી નવી ટર્મનો આરંભ કરવા યુકેમાં પ્રવેશ કરું છું ત્યારે બોર્ડર ફોર્સના એજન્ટો નવાઈમાં ડૂબી જાય છે અને હું સંસ્કૃત ધર્મશાસ્ત્રમાં ડોક્ટરેટ લખી રહ્યો છું તે સાંભળતા તેમને જિજ્ઞાસા થાય છે. તેમને પ્રશ્ન એ થાય છે કે શા માટે કોઈ અમેરિકન આટલે દૂરથી એન્જિનીઅરિંગ, કાયદાશાસ્ત્ર કે મેડિસિનનો અભ્યાસ કરવાના બદલે પ્રાચીન ભારતીય ભાષાનો અભ્યાસ કરવા બ્રિટન સુધી આવે છે?

સામાન્યપણે હું લોકોને ટુંકો ઉત્તર આપું છું કે ધર્મશાસ્ત્ર મંત્રમુગ્ધ કરનારો જટિલ વિષય છે, જેનો અભ્યાસ વિશ્વની મહાન ન્યાયશાસ્ત્રીય પદ્ધતિઓમાંની એક પદ્ધતિ સ્વરૂપે લોકોએ કરવો જ જોઈએ. એ વાત સાચી છે કે ધર્મશાસ્ત્રની સ્મૃતિઓ, નિબંધો અને ભાષ્યો (વિવેચન-ટીકાઓ)માં જે દાર્શનિક સ્વરુપે વ્યવહારદક્ષ ન્યાયપદ્ધતિ સમાવિષ્ટ કરાઈ છે તેનાથી વધુ પ્રાચીન કે વધુ સારી પદ્ધતિ હોઈ શકે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

વિસ્તૃત અને વાસ્તવમાં સાચો ઉત્તર એ છે કે અન્ય ઘણા લોકોની માફક, યુનાઈટેડ સ્ટેટ્સ, ભારત અને ઈંગ્લેન્ડમાં ઘણા રસપ્રદ અને અદ્ભૂત લોકો સાથે મેળાપ થયા પછી તેમની પાસેથી જે શીખવા મળ્યું અને અનપેક્ષિત પુનરાવર્તિત ઘટનાઓની શૃંખલા થકી મારા અભ્યાસ દરમિયાન તેના તરફ ખેંચાયો હતો. મેં યુએસએના વોશિંગ્ટન સ્ટેટની એક નાની યુનિવર્સિટી વ્હીટમાન કોલેજમાં ધર્મના ઈતિહાસ વિષયમાં બી.એ.નો અભ્યાસ શરૂ કર્યો હતો. મારી વિભાજન જરૂરિયાતોના હિસ્સા તરીકે વેદ વિશે ક્લાસ લીધો હતો. પ્રાચીન ભારતીય ધર્મ અને ઈતિહાસનું મને ભારે આકર્ષણ થયું હતું અને મેં સંસ્કૃત ભાષા શીખવાનો નિશ્ચય કરી લીધો.

મેં ઉનાળાનો સમય ભારતમાં ઈન્ટરનેશનલ સમર સ્કૂલ ફોર જૈન સ્ટડીઝ (ISSJS) ખાતે વીતાવ્યો અને બાકીનો ઉનાળો મેડિસનમાં યુનિવર્સિટી ઓફ વિસકોન્સિનમાં સાઉથ એશિયા સમર લેંગ્વેજ ઈન્સ્ટિટ્યુટમાં સંસ્કૃતનો અભ્યાસ કરવામાં વીતાવ્યો હતો. મારો BAનો અભ્યાસ પૂર્ણ થયો ત્યારે મારા સદનસીબે મારી ફૂલબ્રાઈટ-નેહરુ સ્કોલર તરીકે ભારત જવામાં પસંદગી થઈ હતી. મેં એક વર્ષ વારાણસીમાં રહી સંસ્કૃત ફીલોસોફીનો અભ્યાસ પણ કર્યો. નવા દેશમાં જઈ અનુકૂલન સાધવું હંમેશાં મુશ્કેલ હોય છે પરંતુ, ભારતના લોકો ભારે માયાળુ છે અને તેમના આવકારથી મને જરા પણ અજાણ્યું લાગવા દીધું નહિ.

આ પછી મેં હિન્દુ તત્વજ્ઞાન અને સંસ્કૃતના વિષયોમાં MAની ડીગ્રી મેળવવા હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. મારી ઈચ્છા તો વેદ અને વેદાંતના રહસ્યો ઉજાગર કરવાની હતી પરંતુ, કાવ્ય અને ધર્મશાસ્ત્રનું ખેંચાણ પણ જરાય ઓછું ન હતું. જ્યારે ડોક્ટરેટ કરવાનો સમય આવ્યો ત્યારે મજબૂત આંતરરાષ્ટ્રીય ફોકસ તેમજ ધર્મશાસ્ત્ર વિષયમાં યુનિવર્સિટીની તજજ્ઞતાને ધ્યાનમાં રાખીને મેં યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની પસંદગી કરી હતી.

બ્રિટનમાં ત્રણ વર્ષ વીતાવ્યા પછી તો યુકેને મારું ઘર કહેવામાં હું કૃતજ્ઞતા અનુભવું છું. જીવનના મહાન અનુભવોમાં એક તો નવા સ્થળોએ જવાનો અને અદ્ભૂત લોકો સાથે મળવાનો અનુભવ વિશેષ છે. બૌદ્ધિક દૃષ્ટિએ વિચારીએ તો સંસ્કૃતનો અભ્યાસ મોટા પુરસ્કાર સમાન છે છતાં, તેના કારણે મને પ્રાપ્ત થયેલી ચિરસ્થાયી મિત્રતા, લોકો સાથે સહકાર અને વાતચીતો માટે હું તેનો સદા આભારી રહીશ.

(અમેરિકન નાગરિક ક્રિસ્ટોફર ફ્લેમિંગ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે બેલિઓલ કોલેજ, ઓક્સફર્ડમાં અભ્યાસ કરી રહ્યા છે. અહીં તેમણે પોતાના અનુભવોમાં બધાને સહભાગી બનાવ્યા છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter