ટોક્યોઃ માનવ ઇતિહાસમાં સોનાનું આગવું સ્થાન રહ્યું છે. આ માટે સોનેરી ચળકાટથી લઇને તેની દુર્લભતા સહિતના અનેક કારણ જવાબદાર છે. આ પીળી ધાતુએ સંસ્કૃતિઓને આકાર આપવાની સાથે સાથે વિશ્વની સત્તાઓને પણ બદલી છે. સોનાના આવા વિશેષ મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ જાપાનમાં એક અનોખું મ્યુઝિયમ ઉભું કરાયું છે, જે જૂનું તે સોનુંની કહેવતને યથાર્થ ઠેરવે છે. આ મ્યુઝિયમમાં ગોલ્ડ માઈનિંગ માટે જૂના જમાનામાં ઉપયોગમાં લેવાતી કાર્યપદ્ધતિથી લઇને આજની મોર્ડન ટેકનોલોજી વિશે સમજ આપવામાં આવી છે.
જાપાનના નિશિઓકા ઈઝુ શહેરમાં આવેલું આ મ્યુઝિયમ તોઈ ગોલ્ડ માઇનની બાજુમાં આવેલું છે, જેમાં 1965ની સાલ સુધી સોનાનું ખનન કરાતું હતું. આ ખાણ એડો રાજાશાહીના સમયગાળા દરમિયાન સિક્કાના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા સોનાનો મુખ્ય સ્ત્રોત હતો.
ઉલ્લેખનીય છે કે, જાપાનમાં 1603ની સાલથી એડો સમયગાળાની શરૂઆત થઈ હતી. 1900ની સાલમાં સોનાની ખાણને અસ્થાયી રૂપથી શરૂ કરવામાં આવી હતી અને 1965માં જ્યારે તે બંધ થઈ ત્યાં સુધીમાં તેમાંથી આશરે 40 ટન સોનું અને 400 ટન ચાંદીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમની ખાસિયત એ છે કે, મુલાકાતીઓ સોનું ગાળવાની પ્રક્રિયાનો ભાગ બની બની શકે છે. આ સાથે જ મ્યુઝિયમમાં પીરસવામાં આવતી ગોલ્ડ પેસ્ટ્રી અને કેક પણ મુલાકાતીઓને ફેવરિટ છે. એટલું જ નહીં, આ મ્યુઝિયમમાં પ્રદર્શિત થયેલો 250 કિલોગ્રામ વજન ધરાવતો ગોલ્ડ બાર વિશ્વના સૌથી મોટા ગોલ્ડ બાર તરીકે ગિનેસ બુકમાં સ્થાન ધરાવે છે. 2016ની સાલમાં તેનું મૂલ્ય આશરે 1.1 બિલિયન યેન એટલે કે લગભગ રૂ. 85 કરોડ આસપાસ હતું. રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ તેના ભાવમાં જોરદાર ઊછાળો જોવા મળ્યો હતો. મ્યુઝિયમના મુલાકાતીઓ આ ગોલ્ડ બારની સાથે ગોલ્ડના સિક્કાઓને અડીને તેને આનંદ માણી શકે છે. સોનાને આવી રીતે માણવા દેતું આ વિશ્વનું એક માત્ર મ્યુઝિયમ છે.
નોંધનીય છે કે જર્મનીની રાજધાની બર્લિનના બોડ મ્યુઝિયમમાં 100 કિલોગ્રામનો સોનાનો સિક્કો ‘બિગ મેપલ લિફ’ રાખવામાં આવ્યો હતો. જે 2017ની સાલમાં કોઇ તસ્કરો દ્વારા ઉઠાવી જવાયો હતો. આ ગોલ્ડ કોઈન આજદિન સુધી મળ્યો નથી. બર્લિનના પોલીસ તંત્રના મતે, લૂંટારાઓએ તેના નાના નાના સોના ટુકડાં કરી નાંખીને બજારમાં વેચી માર્યો છે.