સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં દેશભરની મીડિયા કંપનીઝ અને સંસ્થાઓએ એક થઈને પ્રેસ સેન્સરશિપનો વિરોધ કર્યો છે. એક કોર્ટે મીડિયાને યૌનશોષણના દોષી કાર્ડિનલ જ્યોર્જ પેલ અંગેનો રિપોર્ટ છાપતા અટકાવ્યા હતા. તેથી મીડિયાએ પેલનું નામ છાપ્યા વગર તેના દોષી ઠર્યાના રિપોર્ટ પ્રસિદ્ધ કર્યા હતાં. જ્યારે વિદેશી મીડિયાએ કાર્ડિનલનું આખું નામ છાપ્યું હતું. તો બીજી બાજુ દેશના મોટા મીડિયા સંસ્થાન એબીસી અને ન્યૂઝ કોર્પની પત્રકાર અનિકા સ્મેથર્ટ સહિત ૩ પત્રકારોના ઘેર પોલીસના દરોડા બાદ પત્રકારો ભડક્યા હતા. એ પછી મીડિયાએ એક થઈને આ અભિયાન શરૂ કર્યું હતું. સોમવારે દેશના સૌથી મોટા અખબાર ઓસ્ટ્રેલિયન, ધ સિડની, મોર્નિંગ હેરાલ્ડ સહિત કેટલાક પ્રખ્યાત અખબારોએ પહેલા પાના પર છપાયેલી ખબરોના અક્ષરોને કાળી શાહીથી છુપાવી દીધા હતા. ટીવી ચેનલોએ પણ કાળા ધબ્બા દેખાડતાં આંદોલન ઉગ્ર બન્યું હતું.