નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને લઇ ઓસ્ટ્રેલિયાના અખબારમાં સોમવારે છપાયેલા એક સમાચાર પર ભારતે ઓસ્ટ્રેલિયન મીડિયાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેણે તથ્યો ચકાસીને રિપોર્ટ બનાવવો જોઇએ. ‘ધ ઓસ્ટ્રેલિયન’માં એક સમાચાર પ્રકાશિત કરાયા હતા, જેમાં કોરોના વાયરસની બીજી લહેર માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. અખબારે લખ્યું છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર માટે કુંભ મેળો અને મોદીની ચૂંટણીની રેલીઓ મહદઅંશે જવાબદાર છે. અખબારે એક રીતે એ દર્શાવાનો પ્રયાસ કર્યો છે કે ભારત સરકારે સ્થિતિની ગંભીરતાને સમજ્યા વગર કામ કર્યું છે જેથી સ્થિતિ બદથી બદતર બની ગઇ છે.
ભારતીય હાઇ કમિશને સમાચારને સંપૂર્ણપણે પાયાવિહોણા, દુર્ભાવનાપૂર્ણ, અને નિંદનીય ગણાવ્યા છે. ભારતે આ સબંધમાં અખબારના એડિટર ઇન ચીફ ક્રિસ્ટોર ડોરને પત્ર લખીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પત્રમાં કહ્યું છે કે અખબારે કોરોના મહામારીથી લડવા માટે ભારત સરકારની તરફ્થી અપનાવામાં આવેલ રીતોને ઓછી આંકી. ભારત સરકારે કોરોનાને નાથવા માટે કેટલાંય ઉપાયો અપનાવ્યા જેમાં ગયા વર્ષે માર્ચમાં લગાવામાં આવેલા લોકડાઉનથી લઇ આ વર્ષનું વેકસીનેશન અભિયાન સુદ્ધાં સામેલ છે. સરકાર દ્વારા સમય પર લેવાયેલા નિર્ણયોના લીધે સેંકડો જિંદગીઓ બચી શકી અને તેના દુનિયાભરમાં વખાણ કર્યા. પત્રમાં ભારત સરકારની વેકસીન ડિપ્લોમેસી અંગે વાત કરતાં દાવો કર્યો છે કે તેનાથી દુનિયાભરમાં લાખો લોકોના જીવ બચાવી શકાશે. ભારતીય હાઇ કમિશને વડા પ્રધાન મોદીની ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને કોરોના માટે જવાબદાર ગણાવાની પણ આલોચના કરી છે.