ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલા મેલબોર્ન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ પૂર્વે રાની મુખર્જી અને કરણ જોહરે ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનીઝે ભારતનાં કલાકારો સાથે એક સેલ્ફી લીધી હતી, જે સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે. વડાપ્રધાન એન્થનીએ કહ્યું હતું, ‘રાની મુખર્જી અને કરણ જોહર ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલનું પ્રમોશન કરવા માટે કેનબેરામાં છે, આ ફેસ્ટિવલ 15 વર્ષથી યોજાય છે. જે ઓસ્ટ્રેલિયા અને ભારતીય સમાજ વચ્ચેના વાઇબ્રન્ટ સંબંધોની નિશાની છે.’ મેલબોર્નના ફેસ્ટિવલ પહેલાં રાની અને કરણે પાર્લામેન્ટમાં વક્તવ્ય આપ્યું. રાની મુખર્જીએ જણાવ્યું હતું, ‘ભારતીય ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતાં અને ભારતીય સિનેમાના ઈતિહાસ વિશે વાત કરતાં અને તેને વિશ્વકક્ષાએ રજૂ કરતાં હું ખૂબ ગૌરવ અનુભવું છું. આ આપણી ઈન્ડસ્ટ્રીની એક સિદ્ધિ છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિનેમાના માધ્યમથી મજબૂત થઈ રહેલાં સાંસ્કૃતિક સંબંધો આપણા માટે ગર્વની બાબત છે.’