મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં ઓસીઓ માટે જ બેકારીમાં નોંધપાત્ર વધારો થવાના કારણોસર ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ૪૫૭ વિઝા પોલિસી રદ કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન ટર્નબુલ તાજેતરમાં જ ભારતની મહેમાનગતિ માણીને ગયા તેનાં થોડા દિવસોમાં જ ટર્નબુલ દ્વારા ભારતીયોને આ મોટો ફટકો મારવામાં આવ્યો છે. આ વિઝાનો ૯૫,૦૦૦થી વધુ વિદેશી કર્મચારીઓ દ્વારા લાભ લેવાયો હોવાનું ત્યાંની સરકારે જણાવ્યું હતું. આ વિઝાનો ઉપયોગ મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ કરતા હતા.
સૌથી વધુ ૪૫૭ વિઝા લેનારા ભારતીયો
ઓસ્ટ્રેલિયાએ રદ કરેલો આ પ્રોગ્રામ ૪૫૭ના નામથી જાણીતો છે. જે હેઠળ કંપનીઓને તેમનાં ફિલ્ડમાં ૪ વર્ષ સુધી વિદેશી કર્મચારીઓને નોકરી આપવાની છૂટ મળે છે. ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન માલ્કમ ટર્નબુલે કહ્યું હતું કે આપણો દેશ ઈમિગ્રેશન દેશ છે, પણ હકીકતમાં ઓસ્ટ્રેલિયાનાં કર્મચારીઓને પણ નોકરીઓ મળવી જોઈએ. આથી આપણે ૪૫૭ વિઝા રદ કરી રહ્યા છીએ. ખાસ કરીને આવા વિઝા હંગામી વિદેશી કર્મચારીઓ લેતા હોય છે અને અહીં નોકરી કરવા આવતા હોય છે. આવા વિઝા મેળવવામાં પહેલા ક્રમે ભારત આવે છે અને આ પોલિસીનો લાભ લેનારામાં ૭૮ ટકા ભારતીયો છે. તે પછી બ્રિટન અને ચીનનાં લોકો આ પોલિસીનો લાભ લઈ રહ્યા હતા.
નવા અંકુશો
ઓસ્ટ્રેલિયામાં હવે ઓસ્ટ્રેલિયન ફર્સ્ટની પોલિસી લાગુ કરવામાં આવશે. હવે આ વિઝા પ્રોગ્રામની જગ્યાએ નવા અંકુશો સાથે બીજો વિઝા પ્રોગ્રામ અમલમાં મુકાશે.