ઓસ્ટ્રેલિયાના આકાશમાંથી માછલીનો વરસાદ

Tuesday 28th February 2023 09:28 EST
 
 

ડાર્વિનઃ વરસાદની સિઝનમાં બરફના કરાં વરસે તે સામાન્ય છે અને ઘણી વખત રંગીન કાદવ પણ વરસતો હોય છે. જોકે, ઓસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં આવેલા લાજામાનુ શહેરમાં આકાશમાંથી માછલીઓનો વરસાદ વરસતા લોકો ભારે આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ આકાશમાં વરસતી માછલીઓ જીવતી હતી અને બાળકોએ તેમને પકડી બરણીઓમાં ભરી લેવા માટે દોડાદોડ કરી હતી. વૃદ્ધ રહેવાસીઓએ તો ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ નિહાળી હોવાનું જણાવ્યું હતું.

ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ ડાર્વિનથી 560 માઈલ દક્ષિણે સૂકી નોર્ધર્ન ટેરિટરીમાં નાનકડી વસાહતમાં ભારે વરસાદ અને વાવાઝોડામાં માછલીનાં વરસાદની વિચિત્ર ઘટના જોવાં મળી હતી. સેન્ટ્રલ ડેઝર્ટ કાઉન્સિલર એન્ડ્રયુ જ્હોન્સન જાપાનાંગકા કહે છે કે ‘અમે મોટાં વાવાઝોડાંને મારી વસાહત તરફ આવતું નિહાળ્યું હતું અને અમને તે વરસાદ હોવાનું જ લાગ્યું હતું. જોકે, વરસાદ પડવાની સાથે જ માછલીઓ પણ પડવા લાગી હતી. આકાશમાંથી માછલીઓ વરસતી હતી ત્યારે તે જીવતી હતી અને શહેરના બાળકો તેને પકડી બરણીઓમાં ભરી લેવા દોડ્યાં હતાં.’ જાપાનાંગકાએ ભૂતકાળમાં આવી વિચિત્ર ઘટનાઓ ઘણી વખત નિહાળી છે પરંતુ, દર વખતે તેનાથી આશ્ચર્ય જ થાય છે. તેઓ કહે છે કે, ‘હું તો માનું છું કે આ ઈશ્વરનો આશીર્વાદ જ છે.’
હવામાન નિષ્ણાતો અનુસાર ટોર્નેડો જેવાં ઊંચે જતાં વાવાઝોડાં નદીઓમાંથી પાણી અને માછલીઓ કે દેડકાં જેવાં નાના પ્રાણીઓ ચૂસી લે છે અને આકાશમાંથી વરસાદ સ્વરૂપે વરસે તે પહેલા સેંકડો કિલોમીટર દૂર પહોંચે છે. જોકે, અગાઉ, લાજામાનુમાં 2010, 2004 અને 1974માં પણ આવી ઘટના નોંધાયેલી છે. આટલા પ્રમાણમાં માછલીઓ ક્યાંથી આવી તે રહસ્ય જ છે કારણ કે આ કોમ્યુનિટી ટાનામી ડેઝર્ટના છેવાડે દૂર દૂર વસેલી છે. તેની આસપાસ સેંકડો કિલામીટર સુધી માછલીઓ ધરાવતી હોય તેવા કોઈ નદી - સરોવર કે તળાવ પણ નથી. આ ઉપરાંત, 2020માં ક્વીન્સલેન્ડના યોવાહમાં અને 2016માં ક્વીન્સલેન્ડના જ વિન્ટનમાં માછલીઓ વરસી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter