કેનબરા: ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરમાં તાજેતરમાં ચીનના ત્રણ જંગી જહાજો દેખાતાં હોબાળો સર્જાયો છે. તાજેતરમાં મળેલા અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના નૌકાદળના યુદ્ધજહાજોની દક્ષિણ ચીની સાગરની વિવાદિત મુલાકાત વખતે ચીની નૌકાદળનો આમનો સામનો થઈ ગયો હતો. એમ પણ કહેવાય છે કે ઓસ્ટ્રેલિયાના પાઇલટ્સ પર લેસરથી નિશાન સાધીને રાખવામાં આવ્યા હતા. આ અહેવાલો વચ્ચે નૌકાદળના ૭૦૦ જવાનો સાથે ત્રણ ચીની યુદ્ધ જહાજ સિડની હાર્બરમાં જોવા મળતાં તંગદિલી સર્જાઈ હતી.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન આ સમયગાળામાં સોલોમન આઇલેન્ડની મુલાકાતે હતા ત્યાંથી તેમણે સ્થિતિની ગંભીરતા જોઈને નિવેદન આપ્યું હતું કે, જનતા માટે આ ચોંકાવનારી ઘટના છે, પરંતુ સરકારને આ જહોજોનાં આગમન વિશે પહેલેથી માહિતી હતી. મોરિસને કહ્યું કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના યુદ્ધ જહાજો ચીન ગયા હતા. તેવામાં ચીનના યુદ્ધજહાજો પારસ્પરિક ધોરણે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા હતા. ચીનના યુદ્ધ જહાજો મધ્ય પૂર્વમાં ડ્રગ ટ્રાફિકિંગ ઓપરેશન પૂરું થતાં ચીન પાછા ફરી રહ્યા હતા.
સિડની બંદરગાહે ચીનના જે ત્રણ યુદ્ધજહાજોએ દેખા દીધી તેમાં યુઝાઓ ક્લાસના લેન્ડિંગ શિપ, લુઓમા ક્લાસનું શિપ તેમજ એન્ટિસબમરીન મિસાઇલ સિસ્ટમથી સજ્જ શુચાંગ ક્લાસના યુદ્ધજહાજનો સમાવેશ થતો હતો, પરંતુ નિષ્ણાતો ત્રણેય ચીની જહાજોના સિડની બંદગાહના બારામાં આવવાના સમય અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. નિષ્ણાતો નૌકાદળના ૭૦૦ જવાનો સાથે ત્રણ ચીની યુદ્ધજાહજોના સિડની બંદરગાહમાં આગમનના મુદ્દે આશ્ચર્યની લાગણી સેવી રહ્યા છે.
દક્ષિણ ચીની સાગરમાં ઓસ્ટ્રેલિયાના જહાજોનો પીછો
ચીનના પ્રમુખ શી જિંનપિંગે વિવાદિત દક્ષિણ ચીન સાગરને સુરક્ષિત રાખવા પીપલ્સ લિબરેશન આર્મીના નૌકાદળને મજબૂત બનાવી રહ્યા છે. તે માટે આધુનિક શસ્ત્રો પાછળ મોટા રોકાણ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટયૂટના વડા ગ્રેહામે તાજેતરમાં જ સ્પષ્ટતા કરી હતી કે એચએમએસ કેનબેરા જહાજ પર તૈનાત એક હોલિકોપ્ટર જ્યારે ચીની સાગર પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના પાઇલટ્સને અનેકવાર લેસર લાઇટથી નિશાન પર લેવાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે વિવાદિત વિસ્તારમાં ઘણીવાર ઓસ્ટ્રેલિયાના યુદ્ધજહાજને રોકવા કે તેનો પીછો કરવા પ્રયાસ થયો હતો.