કેનબેરાઃ ઐતિહાસિક અને કલાત્મક વસ્તુઓનું પણ એક બજાર છે. વિશ્વના પ્રાચીન વસ્તુઓના સંગ્રહાલયમાં મોં માંગ્યા દામ મળતા હોવાથી કલાકૃતિઓ અને વસ્તુઓની ચોરીનું પણ માર્કેટ ઊભું થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચોરી, ખરીદી અને વેચાણના ગોરખધંધાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. આ માહોલ વચ્ચે ભારત માટે એક સારા સમાચાર છે. નેશનલ ગેલેરી ઓફ ઓસ્ટ્રેલિયાએ તસ્કરો દ્વારા ઓસ્ટ્રેલિયા લાવવામાં આવેલી ૨૨ કરોડ રૂપિયાના મૂલ્યની ૧૪ કલાત્મક કૃતિઓ ભારત સરકારને પરત સોંપવાનો નિર્ણય કર્યો છે.
કેનબેરામાં આવેલી નેશનલ ગેલેરીએ ખૂબ વિચારવિમર્શ, કાયદાકીય જોગવાઈ અને નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને પ્રાચીન મૂલ્ય ધરાવતી ચીજવસ્તુઓને ભારતને પરત કરવાનો સૂઝબૂઝભર્યો નિર્ણય લીધો છે. થોડાંક વર્ષો પહેલાં નેશનલ ગેલેરી ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા એક પ્રોજેક્ટ અંતર્ગત મ્યુઝિયમની શોભા વધારી રહેલી કલાકૃતિઓનું મૂળ સ્થાન શોધવાનો પ્રયાસ કરાયો હતો. કલાકૃતિના સંશોધનમાં તે મ્યુઝિયમ સુધી પહોંચી કેવી રીતે તે જોવામાં આવે છે. જો કલાકૃતિ કે ચિત્રો ચોરી કરીને, ગેરકાયદે ખોદકામ કરીને બજારમાં લાવવામાં આવ્યા હોય તો તેને જે તે દેશને પરત સોંપાય છે. યુનાઇટેડ નેશન્સની મહાસભાના ૧૯૭૨માં ઠરાવમાં કોઈ પણ દેશમાંથી ચોરીને લાવવામાં આવેલી કલાકૃતિઓ પરત આપવાની જોગવાઇ છે.
તાજેતરમાં ૧૩ કલાકૃતિઓ ભારતને પરત કરવાનો નિર્ણય જાહેર કરતાં નેશનલ ગેલેરી ઓફ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે હવે તેની પાસે કોઈ જ ભારતીય કલાકૃતિ નથી.
ભારત પરત આવનારી પ્રાચીન વસ્તુઓમાં ૬ પેઈન્ટિંગ અને પ્રાચીન મૂર્તિઓનો સમાવેશ થાય છે. સંશોધકોનું માનવું છે કે લક્ષ્મીનારાયણની મૂર્તિ ૧૦મી સદીની છે, જેને ઓસ્ટ્રેલિયાની ગેલેરીએ ૨૦૦૬માં ખરીદી હતી. આ મૂર્તિ રાજસ્થાન કે ઉત્તર પ્રદેશમાંથી ચોરાઈ હતી. બીજી એક જૈન તિર્થંકરની ૧૧મી સદીની મનાતી મૂર્તિ માઉન્ટ આબુ રાજસ્થાનથી ચોરાઈ હતી. દુર્ગા મહિષાસુરમર્દિનીની પ્રાચીન મૂર્તિ મૂળ ગુજરાતની છે, જે ગેલેરી દ્વારા ૨૦૦૨માં ખરીદવામાં આવી હતી. એક ગુજરાતી પરિવારનું પોટ્રેટ ગુરુદાસ સ્ટુડિયો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ મૂલ્યવાન પેઈન્ટિંગ છેલ્લા ૧૨ વર્ષથી નેશનલ આર્ટ ગેલેરી ઓફ ઓસ્ટ્રેલિયામાં હતું. ભારતમાંથી ચોરાયેલું પોટ્રેટ ગેલેરીએ એક ડીલરના માધ્યમથી ખરીદ્યું હતું. ૧૨મી સદીનો ઈતિહાસ ધરાવતી તમિલનાડુના બાલ સંદ સબન્દારની અમૂલ્ય કલાકૃતિ નેશનલ ગેલેરી ઓફ ઓસ્ટ્રેલિયાએ ૧૯૮૯માં ખરીદી હતી. આ રીતે મહારાજ સર કિશન પ્રસાદ યમીન, લાલા ડી. દયાલનું પોટ્રેટ પરત કરાશે, જેની મ્યુઝિયમ દ્વારા ગત ૨૦૨૦માં ખરીદી કરાઇ હતી. ઈ.સ. ૧૮૫૩માં જૈન સાધુઓને મોકલવામાં આવેલી નિમંત્રણ પત્રિકા ૧૨ વર્ષ પહેલાં એક આર્ટ ડિલર પાસેથી મળી હતી. તેલંગણથી ચોરવામાં આવેલી એક કલાકૃતિ પણ ૨૦૦૮માં મ્યુઝિયમ પહોંચી હતી. આ ઉપરાંત ત્રણ જૂના અનામી પોટ્રેટનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોટા ભાગની પ્રાચીન કલાકૃતિઓ ન્યૂ યોર્કના કુખ્યાત ડીલર સુભાષ કપૂર દ્વારા ખરીદવામાં આવી હોવાનું મનાય છે. મૂલ્યવાન વસ્તુઓનું ૧૦ કરોડ ડોલરનું આંતરરાષ્ટ્રીય તસ્કરી રેકેટ ચલાવવાના આરોપસર તે જેલમાં છે. આ શખસે એક સમયે મેનહટ્ટનમાં આવી રીતે એક આર્ટ ઓફ ગેલેરીની સ્થાપના કરી હતી.
ભારતીય ઉપમહાદ્વીપ, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના પુરાવશેષો દુનિયાભરના સંગ્રહાલયોમાં સ્થાન ધરાવે છે જે આંતરરાષ્ટ્રીય ચોરી રેકેટનો જ ભાગ છે. પુરાતત્વ મૂલ્ય ધરાવતી કલાકૃતિઓ અગાઉ પણ વિવિધ દેશોમાંથી ભારત પરત લાવવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાથી કલાકૃતિઓ અને ચિત્રો પાછા મળશે તે જે તે રાજ્યોને આપવામાં આવશે તેવી શક્યતા છે.