કેનબેરાઃ ભારતીય ઓસ્ટ્રેલિયન દંપતી જયંત પ્રસાદ અને પૂજા સહાયે તેમના સાત અને ચાર વર્ષના બે બાળકો સોહમ અને શુભને હિંદી ભાષા શીખવવા માટે એનિમેશન સાથેનું મોબાઈલ એપ Rbhasha વિકસાવી છે. મહિનાઓની મહેનત અને સંશોધન પછી ગત બીજી ઓગસ્ટે લોંચ કરાયેલા આ એપને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
જયંતે જણાવ્યું હતું કે તેઓ ઘરે હિંદી જ બોલે છે. બાળકો સાથે પણ તેઓ હિંદીમાં જ વાત કરે છે પરંતુ, બાળકો તેના જવાબ ઈંગ્લિશમાં જ આપે છે. અત્યારના સમયમાં બાળકો ગેજેટ્સનો ખૂબ સારો ઉપયોગ કરે છે અને વધારે સમય ટચ સ્ક્રીન પર જ ગાળે છે. હાલ ABC અને બેઝિક ઈંગ્લિશ શીખવા માટે ઘણી એપ્સ છે પરંતુ, બાળકોને હિંદી શીખવવા માટે ખાસ વધારે એપ નથી. તેથી તેમણે તેવું એપ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો.
જયંત દસેક વર્ષ અગાઉ મેલ્બોર્ન બિઝનેસ સ્કૂલમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. અભ્યાસ દરમિયાન તેમના લગ્ન પૂજા સહાય સાથે થયા હતા. ૨૦૦૬માં તેઓ કેનબેરામાં સ્થાયી થયા હતા. પૂજાએ જણાવ્યું હતું કે તેઓ બન્ને આઈટી ક્ષેત્રના હોવાથી તેઓ એપ બનાવવાની બેઝિક પદ્ધતિ જાણતા હતા. જોકે, એપનો ઉપયોગ કરતા બાળકોને આનંદ આવે તેવી એપ કેવી રીતે બનાવવી તે મોટો પડકાર હતો. આ માટે તેમાં એનિમેશન ઉમેરવાનું જરૂરી લાગ્યું અને તેમને એક એવી વ્યક્તિની સહાય મળી જે એનિમેશનની સાથે શિક્ષણ ક્ષેત્રની હતી.
આ દંપતીએ સાત મહિના સુધી તેમનો વીકેન્ડનો સમય આ એપ બનાવવામાં જ ગાળ્યો. સોહમ અને શુભે પણ તેમાં ઉપયોગી થાય તેવી ક્રિએટિવ માહિતી આપી. આ બાળકો કેનબેરા હિંદી સ્કૂલમાં અભ્યાસ કરે છે. સહાયે જણાવ્યું હતું કે તેમણે સ્કૂલમાં પણ આ Rbhasha એપનો ડેમો આપ્યો હતો. બાળકોને આ એપ ગમી છે તેનો તેમને ખૂબ આનંદ છે.