ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના બસ ડ્રાઈવર મનમીતને જીવતો બાળી મૂક્યો

Friday 04th November 2016 09:22 EDT
 
 

મેલબોર્ન: ભારતીય મૂળના એક બસ ડ્રાઈવરને ઓસ્ટ્રેલિયમાં જીવતો બાળી મૂકાતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બ્રિસબેનના મોરુકાની છે જ્યાં ડ્રાઈવર મનમીત અલીશેર પર હુમલો થયો હતો. તેમની સાથે બસમાં અન્ય પ્રવાસીઓ પણ હાજર હતાં. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. જો કે મનમીત પર શાં માટે હુમલો થયો અને તેની હત્યાનો હેતુ હજુ સ્પષ્ટ થઈ શક્યો નથી. મનમીત પંજાબનો વતની હતો અને સિંગર તરીકે ખૂબ પ્રખ્યાત પણ હતો. આ ઉપરાંત વિદેશમાં આમ આદમી પાર્ટી માટે વોલિએન્ટર તરીકે કામ કરતો હતો. શનિવારે મનમીતના સન્માનમાં બ્રિસ્બેનમાં ઝંડો અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

પોલીસના જણાવ્યાં મુજબ બસમાં જ સવાર એક મુસાફરે મનમીત પર જ્વલનશીલ પદાર્થ ફેંકીને હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે આગ લાગી ગઈ જેમાં મનમીત જીવતો ભૂંજાઈ ગયો. ત્યારબાદ સમગ્ર બસમાં પણ આગ ફેંલાઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફરો પણ આગની ચપેટમાં આવી ગયા હતાં. ઘટના વખતે બહાર હાજર લોકોએ બસનો પાછળનો દરવાજો ખોલીને બસના મુસાફરોને બહાર કાઢ્યા હતાં. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ મામલે પોલીસે 48 વર્ષના એક સંદિગ્ધની ધરપકડ કરી છે.

પોલીસ ઓફિસર જિમ કિયોગે જણાવ્યું કે શાં કારણે મનમીત પર હુમલો થયો તેનું કારણ સ્પષ્ટ થયું નથી. આતંકી ગતિવિધિ કે રંગભેદી હુમલાના કોઈ પુરાવા મળ્યાં નથી. ૨૯ વર્ષનો મનમીત બ્રિસબેનની પંજાબી કોમ્યુનિટીમાં સિંગર તરીકે જાણીતો હતો. મનમીત પોતાનો વ્યાપાર ચલાવતો હતો અને ભારતીય કોમ્યુનિટીને ખૂબ મદદ કરતો હતો.

મનમીતને શ્રદ્ધાંજલિ

આ ઘટના પછી બ્રિસ્બેનમાં પંજાબી સમુદાય ઘટના અંગે આંચકો અનુભવતાં શોકમગ્ન થયો હતો. ક્વિન્સલેન્ડમાં છેલ્લા ૬ મહિનામાં બસડ્રાઇવર પર ૩૫૦ હુમલા થઈ ચૂક્યા છે. ક્વિન્સલેન્ડના અગ્રણીઓએ પણ શોક અને આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter