મેલબોર્નઃ ભારતીય મૂળના ડેનિયમ મુખી ઓસ્ટ્રેલિયાના પ્રથમ એવા રાજકારણી બની ગયા છે, જેમણે ગીતા પર હાથ રાખીને ન્યુ સાઉથ વેલ્સ સંસદમાં સભ્ય તરીકે શપથ લીધા હોય. ૩૨ વર્ષીય મુખી લેબર દ્વારા ચૂંટાયા છે. ન્યુ સાઉથ વેલ્સના ઉપલા ગૃહમાં મુખીએ સ્ટીવ વોનનું સ્થાન લીધું છે. આ સાથે જ મુખી આ રાજ્યમાં ભારતીય મૂળના પ્રથમ સાંસદ બન્યા છે.
તેમણે જણાવ્યું હતું કે આ એક અસામાન્ય સન્માન છે. અને ગીતા પર હાથ રાખીને શપથ લેનાર ઓસ્ટ્રેલિયાનો પ્રથમ સાંસદ બનવાનો મને આનંદ છે. તેમણે જણાવ્યું હતું કે મારી સફળતા પાછળ ઓસ્ટ્રેલિયાએ મને આપેલી તક જવાબદાર છે. મારા માતાપિતા જેવા લોકોએ આપેલા ફાળાની ઓસ્ટ્રેલિયાએ કદર કરી છે.
તેમણે જણાવ્યું હતું કે બાઈબલ અને કુરાનની જેમ ગીતા પણ વિશ્વના ગ્રંથો પૈકીનું એક છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેઓ ન્યુ સાઉથ વેલ્સના ઉપલા ગૃહમાં મજબૂતીથી પોતાની વાત રજૂ કરશે અને લોકો માટે કાર્યો કરશે. મુખીના માતાપિતા ૧૯૭૩માં પંજાબથી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. બ્લેકટાઉનમાં જન્મેલા મુખી પાસે યુનિવર્સિટીની ત્રણ ડિગ્રીઓ છે અને તેઓ સંગઠનો, ચેરિટી અને સામુદાયિક જૂથો માટે સલાહકાર તરીકેનું કાર્ય કરે છે.