મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોએ અધધધ... ૧૩૦૬ પગ ધરાવતા એક દુર્લભ જીવ શોધી કાઢ્યો છે. આ એક પ્રકારનો મિલીપીડ એટલે કે હજારો પગ ધરાવતો કાનખજૂરા જેવો જીવ છે. નિષ્ણાતો કહે છે કે અજાયબ જેવા આ જીવને ધરતીની સપાટીથી ૨૦૦ ફૂટ નીચેથી શોધવામાં આવ્યો છે. આ મિલીપીડ ૯૫.૭ મિલીમીટર લાંબુ છે અને યુએસબી કેબલ જેટલું પાતળું છે. વૈજ્ઞાનિકોએ ધરતી પરના આ અનોખા જીવને યુમિલિપ્સ પર્સેફોન નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે પર્સેફોન પ્રજાતિ ૪૦ કરોડ વર્ષ પહેલા પણ ધરતી ઉપર મળી આવતી હતી. પર્સેફોનથી પહેલા સૌથી વધારે પગ ધરાવતો જીવ કેલિફોર્નિયામાંથી મળ્યો હતો, જેને ૭૫૦ પગ હતા. એનું નામ ઈલૈક્મે પ્લેનિપેસ હતું, એને વર્ષ ૧૯૮૦માં પ્રથમ વખત જોવામાં આવ્યો હતો. જોકે મિલીપીડ પર્સેફોને કેલિફોર્નિયાના આ જીવનો સૌથી વધુ પગનો વિક્રમ તોડીને પોતાના નામે કર્યો છે.
આ પ્રકારનું પ્રથમ મિલીપીડ
અંગ્રેજીમાં મિલીપીડનો શાબ્દિક અર્થ થાઉઝન્ડ ફીટ એટલે કે હજારો પગ હોય છે. જોકે, યુમિલિપ્સ પર્સેફોન એવો પ્રથમ મિલીપીડ છે, જે એક હજાર કે તેથી વધારે પગ ધરાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, પર્સેફોન શબ્દને ગ્રીક માઈથોલોજીમાંથી લેવાયો છે. એનો અર્થ થાય છે અંડરવર્લ્ડની રાણી. જમીનની અંદર રહેતા આ જીવોની માફક મિલીપીડને પણ આંખો હોતી નથી. એ રંગહીન હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મિલીપીડ ફૂગ પર નભે છે. પર્સેફોન એવી દુનિયામાં રહે છે, જ્યાં પ્રકાશ હોતો નથી અને પૂરતું ભોજન હોતું નથી.
છેવટે આટલા પગ શા માટે?
પર્સેફોન એવી દુનિયામાં રહે છે, જ્યાં પ્રકાશ હોતો નથી અને પૂરતું ભોજન હોતું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ જીવ જો ધરતીની નીચે જીવિત રહેવું હોય તો તેને ઘણાબધા પગ હોવા જરૂરી છે. મિલીપીડની લંબાઈ અને નાના-નાના પગ એને મૂવમેન્ટ કરવામાં સરળતા ઉપલબ્ધ કરાવે છે. જોકે ધરતીની નીચે આ મિલીપીડ્સને ભોજનની અછત હોય છે, એના શરીરનાં લાંબાં અંગોનો વિકાસ થઈ શકતો નથી.
શોધખોળ સમયે બીજું શું મળ્યું
શોધખોળ સમયે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોને બે માદા અને બે નર મિલીપીડ્સ મળી આવ્યા. માદા મિલીપીડ્સના પગની સંખ્યા ૧૩૦૬ અને ૯૯૮ હતી. નર મિલીપીડ્સના ૮૧૮ અને ૭૭૮ પગ હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, મિલીપીડ્સ જીવ સૌથી પહેલા ૪૦ કરોડ વર્ષ અગાઉ જોવા મળેલો. આજે આ પ્રજાતિઓની સંખ્યા ૧૩,૦૦૦ છે.