અક્રા (ઘાના)ઃ ઘાનાનો સુલેમાન અબ્દુલ સમીદ આઉચેના નામે વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિનો વિક્રમ નોંધાય તે દિવસો દૂર નથી. વધુ પડતી ઊંચાઇને કારણે હેરાન-પરેશાન સુલેમાન દર મહિને સારવાર માટે સ્મેદમાં આવેલી હોસ્પિટલે જતો હતો. હોસ્પિટલની આવી જ એક વિઝિટ દરમિયાન ઘાનાની નર્સોએ 29 વર્ષના આ યુવાનને જણાવ્યું હતું કે 9 ફૂટ 6 ઈંચની ઊંચાઇ સાથે તે દુનિયાની સૌથી ઊંચી વ્યક્તિ છે.
છેલ્લા બે દસકાથી વિશ્વની સૌથી ઊંચી વ્યક્તિનો વિક્રમ તુર્કીના સુલતાન કોસેનના નામે નોંધાયેલો છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં તેની ઊંચાઇ 8 ફૂટ 2.8 ઈંચ નોંધાયેલી છે. જોકે હવે આ વિક્રમ સુલેમાન અબ્દુલ સમીદ આઉચેના નામે નોંધાય તે દિવસો દૂર નથી. શારીરિક વિકાસ કરતાં હોર્મોનના વધુ પડતા સ્ત્રાવના કારણે વ્યક્તિની ઊંચાઇ અસાધારણ ઝડપે વધવા લાગે છે. અલબત્ત, આ બાબતનું વહેલું નિદાન થઇ જાય તો સારવાર સંભવ છે, અન્યથા આવી વ્યક્તિને વયના વધવા સાથે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જેમાં હરવાફરવા પર નિયંત્રણથી માંડીને અનિદ્રા, વધુ પડતું મોટું હૃદય, શ્વોચ્છ્શ્વાસમાં મુશ્કેલી સહિતની તકલીફોનો સમાવેશ થાય છે.
વધુ પડતી ઊંચાઇના કારણે પરેશાન સુલેમાનના નિયમિત ચેકઅપ દરમિયાન તબીબી સ્ટાફ પણ તેને રોજિંદુ જીવન સરળ બનાવવામાં મદદરૂપ થતો હતો. આવા જ એક ચેકઅપ દરમિયાન નર્સોએ ચેતવણી ઉચ્ચારી હતી કે તેની ઊંચાઇ હવે હોસ્પિટલના સ્કેલ કરતાં પણ વધી રહી છે. એક નર્સનું કહેવું છે કે સુલેમાન કેટલો ઊંચો છે તે માપવા મારે મારા સાથીદારોની મદદ લેવી પડી હતી. બધાએ સાથે મળીને મેઝરીંગ સ્ટીક અને થાંભલાની મદદથી સુલેમાનની ઊંચાઇ માપી તો તે 9 ફૂટ કરતાં પણ વધુ જણાઇ હતી.
સુલેમાન કહે છે કે તે 22 વર્ષનો હતો ત્યારે ટ્રક ડ્રાઇવર બનવાનું સપનું જોતો હતો. કામની તલાશમાં તે અક્રામાં સ્થાયી થયો અને સ્કૂલ ફી ભરવા માટે જરૂરી નાણાં રળવા બુચર શોપમાં કામે લાગ્યો. આ દરમિયાન સુલેમાનના ધ્યાને આવ્યું કે તેની જીભનો આકાર બદલાઇ રહ્યો છે, જેના લીધે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
સુલેમાન કહે છે કે મારા મોઢામાં જીભ એ વિસ્તરી હતી કે હું યોગ્ય રીતે શ્વાસ પણ લઇ શકતો નહોતો.
પહેલાં તો તેને લાગ્યું કે આ કોઇ એલર્જીક રિએક્શન છે આથી તેણે ફાર્મસીમાં જઇને એન્ટીબાયોટિક્સ પણ લીધી. જોકે થોડાક જ દિવસોમાં સુલેમાને નોંધ્યું કે તેના શરીરના બીજા અંગો પણ નિયત કદ કરતાં વિસ્તરી રહ્યા છે. વર્ષો સુધી આ સિલસિલો ચાલ્યો, જેના લીધે હવે તેને કરોડરજ્જૂ વાંકી વાળી નાંખતી મારફન સિન્ડ્રોમની વ્યાધિ વળગી છે.
સુલેમાનને રોજબરોજનું જીવન જીવવામાં વધુ પડતી ઊંચાઇ નડતરરૂપ બની રહી છે, આમ છતાં તેને કોઇ ફરિયાદ નથી કેમ કે ઇશ્વરે તેને ‘બનાવ્યો’ છે. સુલેમાન કહે છે કે અલ્લાહે મારું આ સ્વરૂપ પસંદ કર્યું છે. હું મજામાં છું. ઇશ્વરે જે પ્રકારે મને બનાવ્યો છે તેનાથી મને કોઇ તકલીફ નથી.
સુલેમાનને જ્યારે પૂછાયું કે બધાનું ધ્યાન તેના તરફ ખેંચાતું રહે છે ત્યારે એ કેવી લાગણી અનુભવે છે તો એ કહે છે લોકો મારી પાસે ફોટો પડાવવા ઇચ્છે છે તો હું ક્યારેય તેમની ઇચ્છા ઠુકરાવતો નથી. સુલેમાન કહે છે કે ‘મોટા ભાગે તો હું એમ જ કહું છું કે ‘અરે... નજીક આવો’ - અમે ઉભા રહીએ છીએ અને સરસ ફોટો પડાવીએ છીએ.’