નવી દિલ્હી: ગળાકાપ સ્પર્ધાના આજના યુગમાં અનેક કંપનીઓ પોતાના કુશળ કામદારો અને વ્યવસાયીઓને લોભાવીને પોતાની સાથે રાખવા જાત જાતની ઓફર કરતી હોય છે તો કેટલીક કંપની કર્મચારીને રોકડ બોનસ આપતી હોય છે. ચીનની એક કંપની તેના કર્મચારીઓને આવી જ ઓફર કરીને ચર્ચામાં છે. ચીનની હેનાન માઇન ક્રેન કંપનીએ 70 ફૂટ લાંબા મેજ પર 60 મિલિયન યુઆન (70 કરોડ રૂપિયાથી વધુ) જેટલી રોકડ પાથરી દીધી અને પછી તેના સ્ટાફને ઓફર કરી હતી કે આમાંથી તમે ઇચ્છો તેટલા નાણાં બોનસ પેટે લઇ શકો છો. જોકે આમાં શરત એટલી જ હતી કે 15 મિનિટમાં જેટલી રોકડ નોટ ગણી શકાય તેટલી જ રકમ બોનસ સ્વરૂપે લઈ જવાની હતી. કંપનીએ કર્મચારીઓને કહ્યું હતું કે 365 દિવસનું બોનસ 15 મિનિટમાં ગણી લો. ચીની સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયેલો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મેજ પર યુઆનની નવીનક્કોર ચલણી નોટો પથરાયેલી છે. કર્મચારી બને તેટલા વધુ નાણાં ગણી લેવા પ્રયાસ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ એક કર્મચારી 15 મિનિટમાં સૌથી વધુ 12.5 લાખ રૂપિયાની રકમ ગણવામાં સફળ રહ્યો હતો.
સોશિયલ મીડિયા પોસ્ટની કેપ્શનમાં લખેલું છેઃ ‘હેનાન કંપની વર્ષના અંતે બોનસ સ્વરૂપે લાખો રૂપિયા આપી રહી છે. કર્મચારી પોતે ગણી શકે તેટલી રકમ ઘેર લઈ જઈ શકે છે.’ સોશિયલ મીડિયા પર કેટલાકે અચંબો જાહેર કર્યો તો કેટલાક યૂઝર્સે કંપનીની ઉદારતાની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.