અમદાવાદઃ કતાર સોવરિન વેલ્થ ફંડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ બિઝનેસ હોલ્ડિંગ કંપનીમાં એક ટકા હિસ્સા માટે એક બિલિયન ડોલર સુધીના રોકાણ માટે મંત્રણા ચલાવી રહ્યું હોવાના અહેવાલ છે. કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તરફથી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ. (આરઆરવીએલ)માં 100 બિલિયન ડોલરના વેલ્યુએશને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની રિટેલ અને ટેલિકોમ પાંખમાં વેલ્યૂ અનલોકિંગ માટે વિચારી રહી છે. જેમાં તેમના અલગ લિસ્ટિંગનો 2022માં તથા આરઆરવીએલના 55 બિલિયન ડોલરના વેલ્યૂએશન પર તેમાં રોકાણ કરનારા રોકાણકારોને એક્ઝિટ ઓપ્શનનો સમાવેશ પણ થાય છે. રિલાયન્સ લિમિટેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ કંપની વિવિધ તકોની ચકાસણી કરી રહી છે. અમે કોઈ માર્કેટ અટકળો પર ટિપ્પણી કરી શકીએ નહીં.
જેએમ ફાઇનાન્સિયલે તાજેતરમાં આરઆરવીએલનું 105 બિલિયન ડોલરનું વેલ્યૂએશન અંદાજ્યું હતું. તેણે નોંધ્યું હતું કે કંપનીનો એબિટા તેની સબ્સિડિયરી રિલાયન્સ રિટેલની સરખામણીમાં 2-4 ટકા ઊંચો છે. કેમકે રિલાયન્સ રિટેલ ઉપરાંત પણ તે કેટલીક અન્ય એસેટ્સ ધરાવે છે. અગાઉ જેએમ ફાઇનાન્સિયલે કરેલા આરઆરવીએલના 90-100 બિલિયન ડોલરના વેલ્યૂએશન કરતાં તે 5-10 ટકા ઊંચું જોવા મળે છે.
આરઆઈએલે 2020માં આરઆરવીએલનો 10.52 ટકા હિસ્સો 55 બિલિયન ડોલરના વેલ્યૂએશને વેચ્યો હતો. જે રોકાણકારોમાં કે.કે.આર. એન્ડ કંપની અને સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડનો સમાવેશ થતો હતો. જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલે રૂ. 70 હજાર કરોડની રેવન્યૂ દર્શાવી હતી. જે વાર્ષિક ધોરણે 19.5 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. ગ્રોસરી, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક, ફેશન અને લાઈફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પાછળ વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ હતી.