ટોરોન્ટોઃ કેનેડામાં આતંકવાદનું મહિમામંડન કરતી ઘટનાઓ સતત બની રહી છે જેની ભારતે આકરા શબ્દોમાં આલોચના કરી છે. ભારતે જણાવ્યું કે કેનેડામાં નિયમિતપણે આતંકવાદનું મહિમામંડન કરવામાં આવે છે. હકીકતે તમામ શાંતિપ્રિય દેશો અને લોકોએ આતંકવાદની આલોચના કરવી જોઈએ. આતંકવાદને કોઈ સરહદ, રાષ્ટ્રીયતા કે વંશ હોતો નથી.
ભારતીય હાઇકમિશન દ્વારા 1985માં સર્જાયેલા કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 39મી વરસી પ્રસંગે પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા એક કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે 23 જૂન 1985ના રોજ મોન્ટ્રિયલ-લંડન-દિલ્હી રૂટ પર ઉડાન ભરી રહેલા એર ઇંડિયાના વિમાન કનિષ્ક એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે બોમ્બવિસ્ફોટ થયો હતો. કેનેડા ખાતે રહેતા ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા આ કૃત્ય આચરાયું હતું. આ ઘટનામાં એર ઇન્ડિયાના વિમાનમાં સફર કરી રહેલા 86 બાળકો સહિત 329 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાની વરસી પ્રસંગે ભારતીય દૂતાવાસ દ્વારા ટોરન્ટો અને વાનકુંવર ખાતે રવિવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકીઓને પોષતી કેનેડા સરકારે તાજેતરમાં ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ભાગલાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાની પહેલી વરસી પર સંસદમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. ભારતે કેનેડાના આ કૃત્યની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. હવે કેનેડાના પત્રકાર ડેનિયલ બોર્ડમેને પણ દેશના સંસદગૃહમાં ખાલિસ્તાની આતંકીને અંજલિ આપવા બદલ સરકારની ટીકા કરી છે. ડેનિયલનું કહેવું છે કે આ ઘટના એક નૈતિક અપમાન છે. સરકારમાં ખાલિસ્તાની ઘૂસણખોરી થઈ ચૂકી છે. છેલ્લા દાયકાથી આ ચાલી રહ્યું છે. આતંકવાદ અને છેતરપિંડી બદલ નિજ્જરને બે વાર કેનેડા આવતાં રોકવામાં આવ્યો હતો, પરંતુ તે ચુપકીદીથી કેનેડામાં ઘૂસી ગયો ગયો.