કરાચીઃ પાકિસ્તાનના એક હિંદુ મંદિરમાં એક સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ હાલમાં બહુ જ ચર્ચામાં છે. આ સ્કૂલની ખાસિયત એ છે કે તેને હિંદુ વિદ્યાર્થીઓ માટે મુસ્લિમ મહિલા ચલાવી રહી છે. આ મુસ્લિમ મહિલાનું નામ અનુપમ આગ્હા છે અને તે પરંપરાગત મુસ્લિમ પોશાક હિજાબમાં જ આ મંદિરમાં આવે છે અને આવીને વિદ્યાર્થીઓને સલામ કહે છે. જવાબમાં વિદ્યાર્થીઓ ઊંચા અવાજે ‘જય શ્રીરામ’ના નારા લગાવે છે. આ સ્કૂલને અનુમ જ ચલાવે છે. કરાચીના જે હિંદુ વિસ્તારમાં આ સ્કૂલ આવેલી છે તેને હટાવવા માટે સ્થાનિક કટ્ટરવાદીઓએ ઘણો પ્રયાસ કર્યો પણ અનુમે તેનો વિરોધ કર્યો અને હિંદુ વિદ્યાર્થીઓ માટે અવાજ ઊઠાવ્યો. કરાચીનો અતિ ગરીબ વિસ્તારોમાં સામેલ બસ્તી ગુરુમાં આ મંદિર આવેલું છે. જ્યાં આશરે ૮૦થી ૯૦ જેટલા હિંદુ પરિવારો રહે છે. કેટલાક ઝૂંપડામાં તો કેટલાક અડધા પાકા મકાનોમાં રહે છે.
અનુમે મીડિયામાં આ વાત પ્રસરતાં જણાવ્યું હતું કે, હું જ્યારે લોકોને કહું છું કે મંદિરમાં એક સ્કૂલ પણ ચલાવું છું તો લોકોને આશ્ચર્ય પણ થાય છે. મંદિરનો મુખ્ય વિસ્તાર છે ત્યાં જ આ સ્કૂલ ચાલે છે અને વિદ્યાર્થીઓ પ્રાર્થના સાથે દરેક પ્રકારનું જ્ઞાન પણ મેળવે છે. એક સ્થાનિક હિંદુ આગેવાન શિવા ધર્નીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ઝૂંપડાઓને છેલ્લા કેટલાક સમયમાં બે વખત સળગાવવાના પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારને ખાલી કરાવવા હિંદુઓ પર દબાણ વધી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે પણ આ મુસ્લિમ મહિલા આ વિસ્તારમાં આવે છે અને હિંદુ બાળકોને જ પ્રેમભાવથી શિક્ષણ આપે છે. આ હિંદુ બસ્તીને ૬૦ના દસકામાં બનાવાઈ હતી એટલે કે અહીં વર્ષોથી હિંદુઓ રહે છે. જોકે હવે તેમને ઘરવિહોણા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વિસ્તારમાં રહેતા હિંદુઓને મળી રહેલી વીજળી પણ સ્થાનિક સત્તાધીશોએ કાપી નાંખી હતી. જુદી જુદી રીતે હેરાન કરીને હિંદુઓને વિસ્તાર ખાલી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. અનુમ આ હિંદુઓને મદદ કરી રહી છે. મંદિરમાં જે સ્કૂલ ચાલી રહી છે તેમાં સ્થાનિક હિંદુના બાળકો નિયમિત રીતે અભ્યાસ માટે આવે છે.