ન્યૂ યોર્કઃ ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ... ઉક્તિમાં કેટલાક મજાકિયાઓએ બીજું વાક્ય ઉમેર્યું છેઃ ...ઔર લેતા હૈ તો થપ્પડ માર કે લેતા હૈ. કંઇક આવો જ તાલ અમેરિકાના એક ધનપતિ સાથે બન્યો છે. દુનિયામાં રાતોરાત કરોડપતિ બનવાની ઘણી ઘટનાઓ વાંચવા-સાંભળવા મળતી હોય છે, પરંતુ કરોડપતિ બન્યા બાદ રાતોરાત રોડપતિ બનવાની ઘટના ભાગ્યે જ સામે આવતી હોય છે. ન્યૂ યોર્કના વોલસ્ટ્રીટ માર્કેટના ટ્રેડર બિલ હવાંગના કેસમાં પણ કંઈક આવું જ થયું છે. ૨૦ બિલિયન ડોલર એટલે કે આશરે ૧.૫ લાખ ડોલરની નેટવર્થના માલિક હવાંગે બે જ દિવસમાં પોતાની બધી સંપત્તિ ગુમાવી દીધી છે.
ખરેખર તો આ અયોગ્ય પ્રકારે રોકાણ કરવાનું પરિણામ છે. આખી દુનિયામાં મોટા ભાગના ધનવાનો તેમના નાણાં બિઝનેસ, રિયલ એસ્ટેટ, ઈક્વિટી, સ્પોર્ટ્સ ટીમ અને આર્ટવર્ક જેવાં ક્ષેત્રોમાં રોકે છે. પરંતુ બિલ હવાંગે બધા જ નાણાં ફક્ત શેરબજારમાં જ રોકી દીધા હતા એટલે શેરના ભાવ ઘટ્યા, તે સાથે જ બધી સંપત્તિ પણ ડૂબી ગઈ. હવાંગની કંપની આર્ચેગોસ કેપિટલ મેનેજમેન્ટની નેટવર્થ ગયા મહિને - માર્ચમાં અચાનક જ ધરાશાયી થવા લાગી હતી. આધુનિક આર્થિક વિશ્વની આ અત્યંત અનોખી ઘટના છે. આ પહેલાં ક્યારેય કોઈ વ્યક્તિએ આટલી ઝડપથી પોતાની અબજો ડોલરની સંપત્તિ ગુમાવી નથી.
એક સમયે હવાંગની સંપત્તિ ૩૦ બિલિયન ડોલર (આશરે રૂ. ૨.૨ લાખ કરોડ) હતી. અમેરિકાના મૂડીબજારમાં હવાંગના નામના સિક્કા પડતા હતા એમ કહો તો પણ ચાલે. હવાંગ રોકાણકારોને ગુપ્ત નામે રોકાણની સુવિધા આપતા હતા. કંપનીના નામે હવાંગે અનેક બેન્કો પાસેથી અબજો ડોલર ઉધાર લીધા હતા. હવાંગ અને તેમના કંપની ઉધારીના પૈસાથી શેરોમાં જંગી નાણાં લગાવતી હતી. જોકે ખાટલે મોટી ખોટ એ હતી કે તેમની કંપનીએ લોકોના પૈસા મોટા ભાગે વાયકોમ સીબીએસ, જીએસએક્સ ટેકેડુ અને શોપિફાય જેવી મુઠ્ઠીભર કંપનીના શેરોમાં જ રોક્યા હતા. પરિણામે આ કંપનીના શેરના ભાવ ઘટતા જ હવાંગના આર્થિક સામ્રાજ્યના કાંગરા ખરવા લાગ્યા અને તેના પગલે અનેક બેન્કો અને નાણાકીય સંસ્થાઓની હાલત ખરાબ થવા લાગી. બાકી લેણાંની રિકવરી માટે બેન્કોએ પોતાની પાસે ગિરવે મૂકાયેલા હવાંગના શેર વેચવાના શરૂ કરી દીધું. આનાથી શેરોમાં ઘટાડો વધુ ઝડપી બન્યો. જેમ કે, વાયકોમ સીબીએસના શેરનો ભાવ અડધો થઈ ગયો. આમ, હવાંગની બધી સંપત્તિ ડૂબી ગઈ.
ઈનસાઈડર ટ્રેડિંગના આરોપ લાગ્યા
આ પહેલા હવાંગે ૨૦૦૮માં ટાઈગર એશિયા નામે હેજ ફંડ શરૂ કર્યું હતું. તેના થકી તે ઉધારના પૈસાથી એશિયાઈ શેરો પર દાવ ખેલતો હતો, પરંતુ ઈનસાઈડર ટ્રેડિંગના આરોપો પછી તેણે રોકાણકારોને પૈસા પાછા આપવા પડ્યા. એટલું જ નહીં, હવાંગ પર ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે પબ્લિક ફંડ મેનેજમેન્ટ પર રોક લગાવી દેવાઈ હતી. ટાઈગર એશિયા બંધ થયા પછી ૨૦૧૩માં હવાંગે આર્ચેગોસ કંપની શરૂ કરી હતી, જેનું પરિણામ આજે આપણી સામે છે. જોકે ભૂતને પીપળા મળી જ રહેતા હોય છે તે ઉક્તિ અનુસાર, હવાંગની નવી કંપનીમાં લોકોએ કોથળા મોઢે રોકાણ કર્યું હતું. આજે બધા માથે હાથ દઇને
બેઠા છે.
લોન દેનારાને પણ જંગી નુકસાન
માત્ર હવાંગને જ નુકસાન થયું છે એવું નથી. તેને ધિરાણ આપનારા ક્રેડિટ સુઈસ ગ્રૂપ એજીને રૂ. ૩૫ હજાર કરોડ અને નોમુરા હોલ્ડિંગ્સને રૂ. ૧૫ હજાર કરોડનું નુકસાન થયું છે. આ સંસ્થાઓના અનેક ટોચના એક્ઝિક્યુટિવની નોકરી જતી રહી છે. હવાંગની ઘટના પછી વોલ સ્ટ્રીટ જેવી સંસ્થાઓની પોલ ખૂલી ગઈ છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન હવાંગની કંપની આર્ચેગોસ વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી છે.