બર્લિનઃ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી શાસકોએ લાખો નિર્દોષ યહુદીઓને વાંક-ગુના વગર મારી નાખ્યા હતા. ગુનેગારોના કેમ્પમાં પુરી દઇને અમાનુષી ત્રાસ ગુજારાતો હતો. આવા કેમ્પમાં ફરજ બજાવી હોય અને આજેય હયાત હોય એવા નાઝીઓને શોધી શોધીને જર્મન સરકાર સજા ફટકારી રહી છે. આ જ ઝુંબેશ હેઠળ જર્મન કોર્ટે નાઝી ડેથ કેમ્પના આજે ૧૦૦ વર્ષની વયે પહોંચેલા ગાર્ડને દોષિત ઠરાવ્યા છે. કોર્ટે આ દોષિતનું નામ જાહેર કરવાના બદલે એટલું જ જાહેર કર્યું છે કે તે નાઝી પોલીસ શુઝેસ્ટાફેલ્સના ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.
આ ગાર્ડ સામે ૩૫૧૮ હત્યાઓમાં સામેલગીરી - મદદનો આરોપ છે. હિટલરે આખા દેશમાં ડેથ કેમ્પ ઉભા કર્યા હતા. એમાંના એક કેમ્પમાં આ ગાર્ડ કામ કરતા હતા. હજુ જર્મનીએ પાંચમી ફેબ્રુઆરીએ જ નાઝી કેમ્પના મહિલા સેક્રેટરીને ૧૦ હજાર હત્યાઓમાં મદદ માટે ગુનેગાર ઠેરવ્યા હતા. તેમની ઉંમર ૯૫ વર્ષ હતી. તેમની સાથે એક બીજા મહિલા પણ ગુનેગાર હતા, પરંતુ થોડા વખત પહેલા ૯૪ વર્ષે તેમનું નિધન થયું હતું.
બીજા વિશ્વયુદ્ધ વખતના જે કોઈ સાક્ષી આજે જીવતા હોય એ ૮૦-૯૦ વર્ષની વયના જ હોય એ સ્વાભાવિક છે. એ સાક્ષીઓ પૈકી કેટલાક યુદ્ધગુનેગારો પણ હોય છે. તેમને આ ઉંમરે સજા કરવી કે કેમ એ દરેક દેશ માટે અલગ ચર્ચાનો પ્રશ્ન છે. યુદ્ધ ખતમ થયું તે વાતને આજે લગભગ પોણી સદી વીતી ગઈ છે. પરંતુ યુદ્ધ વખતે જે અત્યાચારો થયા એ ભૂલી શકાય એમ નથી. આથી જ એ વખતના ગુનેગારો ગમે તેટલી ઉંમરના હોય, તેની પરવા કર્યા વગર જર્મન સરકાર સજા સુનાવે છે.
યુરોપના અન્ય દેશોમાં પણ આ રીતે યુદ્ધ ગુનેગારો વિરુધ્ધ કેસ ચાલતા રહે છે. જોકે કેટલાક દેશો ગુનેગારોને ઉંમર અને નબળું સ્વાસ્થ્ય જોઈને માફ પણ કરે છે. પરંતુ જેમને સજા થઈ એ ગાર્ડ ૧૦૦ વર્ષની વયે પણ કોર્ટમાં બધી સુનાવણી વખતે ઉપસ્થિત રહી શક્યા એટલા ફીટ છે. આ ગાર્ડ્સ ગુનેગાર સાબિત થયા છે પણ તેને કેવી સજા કરવી એ કોર્ટ હવે નક્કી કરશે.