કલમ ૩૭૦ની નાબૂદી ઐતિહાસિક નિર્ણયઃ સંઘ પરિવાર

Wednesday 07th August 2019 07:50 EDT
 
 

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરી છે તે નિર્ણયને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઐતિહાસિક ગણાવીને બિરદાવ્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જણાવ્યું હતું કે આ અતિ મહત્ત્વપૂર્ણ અને જરૂરી પગલું હતું. કાશ્મીર અને દેશના વિકાસ માટે આર્ટિકલ ૩૭૦ નાબુદ થવી અતિ જરૂરી હતું.
સંઘના ટ્વિટર એકાઉન્ટ પર મોહન ભાગવત અને સુરેશ જોષીના નિવેદનને પોસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે દરેકે આ મુદ્દે રાજકારણના મતભેદો અને અંગત હિતોથી બહાર આવીને એક થઈને વિચારવું જોઈએ. સરકારના આ નિર્ણયનું દરેકે સ્વાગત કરવું જોઈએ. આ કલમની નાબુદીથી દેશ અને રાજ્યનું હિત જળવાઈ રહેશે.

ચૂંટણી વચન પાળ્યુંઃ વૈશ્વિક માધ્યમો

કલમ ૩૭૦ને રદ કરવાના મોદી સરકારના નિર્ણયને વિશ્વભરના અખબારી માધ્યમોએ વખાણ્યો છે. કેટલાક અખબારોએ કહ્યું કે કલમ ૩૭૦ને હટાવીને વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સપનું સાકાર કર્યું છે. તો કોઇએ કહ્યું છે કે ભાજપે તેનો ચૂંટણી વાયદો પૂરો કર્યો છે.
અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સે જણાવ્યું કે ઘણા વર્ષોથી કાશ્મીરના વહીવટી તંત્રનું ભારતના બીજા ભાગોથી અલગ રીતે સંચાલન થઇ રહ્યું હતું. આ વર્ષની ચૂંટણીમાં ભાજપે ચૂંટણીપ્રચાર દરમિયાન કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવાનો વાયદો કર્યો હતો, જે પૂરો કર્યો છે.
પાકિસ્તાની અખબાર ડોને જણાવ્યું કે કલમ ૩૭૦ રદ થયા બાદ દેશના બીજા ભાગોના લોકોને કાશ્મીરમાં સંપત્તિ ખરીદવાનો અધિકાર મળી જશે. મોદીના નેતૃત્વમા ભાજપે સંઘ પરિવારનું સપનું પૂરુ કર્યું છે. ભાજપે ચૂંટણીપ્રચાર દરમિયાન કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવાનો વાયદો કર્યો હતો જે પૂરો કર્યો છે. જ્યારે બ્રિટનના ‘ધ ગાર્ડિયન’ અખબારે લખ્યું છે કે ભાજપ હંમેશાથી કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવાની વાત કહેતો રહ્યો છે, પરંતુ પહેલી વાર કોઈ મજબૂત પ્રસ્તાવ રાખવામાં આવ્યો.
સીએનએને મોદી સરકારના નિર્ણય પર કહ્યું કે ભાજપે પીડીપીથી અલગ થતા તેનો માર્ગ મોકળો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter