અમદાવાદ: સમગ્ર ભારત દેશ ૧૯૭૧માં પાકિસ્તાન સામે મેળવેલા યુદ્ધનો સ્વર્ણિમ વિજયોત્સવ મનાવી રહ્યું છે. પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખનાર આ ઐતિહાસિક યુદ્ધમાં ભારતે હાંસલ કરેલા વિજયના ૫૦મા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જોકે ઉજવણીના આ માહોલ વચ્ચે ૫૪ પરિવારો એવા છે, જેમને અડધી સદીથી એ ખબર નથી કે ૧૯૭૧ના યુદ્ધ વખતે કેદ થયેલા તેમના સ્વજન - સૈનિકોની હાલત શું છે?
સ્વાભાવિક છે કે પાકિસ્તાને કેદ કરેલા ૫૪ યુદ્ધકેદીઓ પૈકી ઘણા આજે હયાત નહીં હોય, અને હશે એમની હાલત અત્યંત દયનીય હશે. પાકિસ્તાને ક્યારેય સ્વીકાર કર્યો નથી કે તેમની પાસે આ યુદ્ધકેદીઓ છે, પરંતુ એ પણ હકીકત છે કે પાક.ના કબ્જામાં ભારતીય યુદ્ધકેદીઓ હોવાના પુરાવા વખતોવખત મળતા રહ્યા છે.
૧૯૭૧ના યુદ્ધના અંત પછી ભારત-પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો થઈ અને બન્ને દેશોએ એકબીજાના સૈનિકોને છોડી મૂક્યા. અલબત્ત, પાકિસ્તાને કહ્યું કે અમે તમારા બધા સૈનિકોને છોડી મુકીએ છીએ, પરંતુ હકીકત એવી નહોતી. આ વાતના પુરાવાઓ ૧૯૭૪માં મળવાનું શરૂ થયું, જ્યારે પાકિસ્તાનની જેલમાંથી લખાયેલા કેટલાક પત્રો ભારત પહોંચ્યા.
આમાંથી એક પત્ર મેજર એ.કે. સુરીનો હતો. મેજર સુરીએ તેમના પિતાને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો કે અમે અહીં જેલમાં છીએ અને સલામત છીએ. એ પત્ર મેજર સુરીએ જેલના ચોકીદારને શામ-દામ વડે સાધીને ભારત મોકલાવ્યો હતો.
એ પછી તો લાપતા મનાતા સૈનિકોના એવા ઘણા પત્રો આવ્યા જેમાં ભારતીય સૈન્યની ત્રણેય પાંખના જવાનો પાકિસ્તાનની જેલોમાં કેદ હોવાના પુરાવા મળ્યા. અમુક પત્રમાં એવું પણ લખાયું હતું કે ભારતીય સૈન્યનો સંપર્ક કરીને અમારી વિગતો આપો. સૈન્ય સુધી વિગતો પહોંચી અને પછી તે સરકાર સુધી પણ પહોંચી. પડોશી દેશ પાસેથી સૈનિકો પરત મેળવવા એ સરકારનું કામ હતું. અડધી સદીમાં એક પણ સરકારે એ કામ કર્યું નહીં કે આ કામ કરવાની દાનત પણ દર્શાવી નહીં.
યુદ્ધ પછી ‘ટાઈમ’ મેગેઝિને કવરપેજ પર પાકિસ્તાનમાં કેદ મેજર એ.કે. ઘોષની તસવીર પ્રગટ કરી હતી. મતલબ કે મેજર ઘોષ પાકિસ્તાની જેલમાં છે એ સાબિત થતું હતું. પરંતુ પાકિસ્તાને ભારતને જે યુદ્ધકેદીઓ સોંપ્યા હતા તેમાં મેજર ઘોષ નહોતા? તો પછી એ ક્યાં ગયા? અને એક મેજર ઘોષ જ નહીં, ભૂમિદળના ૨૯, વાયુદળના ૨૪ અને નૌકાદળના એક એમ કુલ ૫૪ સૈનિકો પાકિસ્તાન પાસે કેદ હતા.
મેજર ઘોષના દીકરી નિલાંજના ઘોષે કહે છે કે આજે મારે કોઈ ફોર્મ ભરવાનું આવે ત્યારે સમજાતું નથી કે મારા પિતાની આગળ હયાત હોવાનું લખું કે સ્વર્ગસ્થ? આવા તો ૫૪ પરિવારો છે, જેઓ જાણતા પણ નથી કે દેશ માટે લડેલા તેમના સ્વજનો સાથે ખરેખર શું થયું છે?
વિવિધ પુરાવા જાહેર થયા બાદ સરકાર પર દબાણ આવ્યું હતું. આથી સરકારે પાકિસ્તાન પર દબાણ કર્યું. પાકિસ્તાને ભારતીય પ્રતિનિધિ મંડળને જેલ તપાસવા માટે આમંત્રણ આપ્યું. પરંતુ તેણે ભારતીય પ્રતિનિધિ મંડળને એવી જ જેલો દેખાડી જ્યાં સામાન્ય કેદીઓ રખાયા હતા.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં વર્ષો (અને અમુક કિસ્સામાં દાયકા) સુધી જેલની સજા કાપીને ફરત ફરેલા ભારતીય કેદીઓએ જણાવ્યું છે કે ’૭૧ના યુદ્ધકેદીઓ પાકિસ્તાનની જેલમાં છે, અત્યંત બદતર હાલતમાં છે અને તપાસની વાત આવે છે ત્યારે તેમને ભૂગર્ભ કેદખાનામાં ધકેલી દેવાય છે.
૪૯ વર્ષ પછી એક કેદી કોટ લખપત જેલમાં હોવાનો સરકારનો એકરાર
પાકિસ્તાનની જેલમાં ભારતીય સૈનિકો આજે પણ જીવંત હોવાનો પુરાવો ભારત સરકારે જ રજૂ કર્યો છે. રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રાલય તરફથી તાજેતરમાં જ જલંધરના રહેવાસી ૭૫ વર્ષીય સત્યાદેવીને પત્ર લખીને માહિતી આપવામા આવી છે કે તમારા પતિ લાન્સ નાયક મંગલસિંહ હયાત છે. એમને પાકિસ્તાનથી ભારત લાવવાના પ્રયાસો ચાલુ છે. સત્યાદેવીએ અનેક પત્રો લખ્યા અને અનેક વિભાગ સમક્ષ રજૂઆતો કરી ત્યારે છેક ભારત સરકાર આટલી તપાસ કરી શકી છે.
લાન્સ નાયક મંગલસિંહ બાંગ્લાદેશ મોરચે ફરજમાં હતા અને ત્યાં એક હોડી ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં તેઓ ડૂબી ગયાની સત્તાવાર જાણકારી ૧૯૭૧માં અપવામાં આવી હતી. એ પછી હવે સરકારે કહ્યું છે કે મંગલસિંહ જીવતા છે અને પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બંધ છે. મંગલસિંહ સ્વાભાવિક રીતે ૮૦ વર્ષની વયે પહોંચવા આવ્યા હશે અને પાકિસ્તાનની જેલમાં એમનું સ્વાસ્થ્ય પણ કેવું હશે એ કલ્પના કરવી મુશ્કેલ નથી.
અલબત્ત, પાકિસ્તાનની જેલોમાં જે ૫૪ કેદીઓ છે એમાં મંગલસિંહના નામનો સમાવેશ થતો નથી. આનો સીધો અર્થ એવો થાય કે પાકિસ્તાન પાસે ૫૪ કરતાં પણ વધારે ભારતીય યુદ્ધ કેદીઓ છે. સરકારે હવે એ દિશામાં કાર્યવાહી કરવી રહી.