ભારતમાં અને હિન્દુ પરિવારોમાં ગાય પૂજનીય ગણાય છે, અને આથી જ કાઉ પરેડ ફેસ્ટિવલ તહેવાર જોઈને એમ જ લાગે કે આ ભારતનો જ તહેવાર હશે, પરંતુ વાસ્તવિક્તા કંઇક અલગ જ છે. ખરેખર તો આ પ્રકારનો તહેવાર ભારતમાં યોજાવો જોઈએ, જોકે હાલ તો આ કાઉ પરેડ ફેસ્ટિવલ અમેરિકાના મેક્સિકો સિટી સાથે જોડાયેલા પેસો ડી લા રિફોમામાં યોજાઈ રહ્યો છે. આ તહેવારમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કલાકારો ગાયના અદભૂત રંગે રચેલા શિલ્પ રજૂ કરે છે. 10 જુલાઇથી શરૂ થયેલા અને 28 ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલના ભાગરૂપે શહેરમાં 60થી વધારે શિલ્પ આવી ચૂક્યા છે અને ફેસ્ટિવલનું સમાપન થતાં સુધીમાં આ આંકડો વધીને 100 સુધી પહોંચી જાય તો પણ નવાઇ નહીં. વાસ્તવમાં કાઉ પરેડ ફેસ્ટિવલનો પ્રારંભ શિકાગોમાં 1999માં થયો હતો અને તેના પછી હવે તે દક્ષિણ અમેરિકાનો મહત્ત્વનો તહેવાર બની ગયો છે. તેમાં દેશવિદેશના અનેક શિલ્પ કલાકારો તેમની ગાય પરની પ્રસ્તુત શિલ્પ કલાનું પ્રદર્શન કરે છે. સ્થાનિકો અને વિદેશી શિલ્પીઓ વચ્ચે ગાયના વિવિધ પ્રકારના આકર્ષક અને રંગબેરંગી શિલ્પ બનાવવા માટે તીવ્ર સ્પર્ધા જામે છે.