કાઠમાંડુ, નવી દિલ્હીઃ ભયાનક ભૂકંપે હચમચાવ્યાના આઠ દિવસ બાદ સોમવારે નેપાળ સરકારે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ, બચાવકાર્યમાં જોડાયેલા તમામ ૩૪ દેશોની રેસ્ક્યુ ટીમોને પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નેપાળનાં વહીવટી તંત્રનું કહેવું છે કે, હવે કાટમાળમાં દબાયેલી કોઈ વ્યક્તિ જીવિત હોય તેવી આશા ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. કાઠમાંડુ અને તેની આસપાસના વિસ્તારોમાં મુખ્ય બચાવ કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, હવે બાકી રહેલું કામ સ્થાનિક લોકો સંભાળી લેશે.
બીજી તરફ, આજે પણ ભૂકંપગ્રસ્ત નેપાળના અંતરિયાળ વિસ્તારોનો મોટો હિસ્સો રાહતસામગ્રીથી વંચિત હોવાનું મનાય છે. રાહતસામગ્રી મળવામાં વિલંબથી લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તે છે. અનેક સ્થળે લોકો રસ્તા પર ઉતરી પડીને પોતાની નારાજગીને વાચા આપી રહ્યા છે.
સેનાનું દબાણ?
નેપાળની સેનાએ ગૃહ મંત્રાલયને લેખિત નોંધ પાઠવીને તમામ દેશોની રેસ્ક્યુ ટીમોને પાછી મોકલી દેવા દબાણ કર્યું હતું, જેને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. અગાઉ એવા અહેવાલો વહેતા થયા હતા કે ભારતની રાહત-બચાવ ટીમોને જ કામગીરી સમેટવા આદેશ અપાયો છે. જોકે નેપાળે સ્પષ્ટતા કરી હતી કે, તેમનો આદેશ ફક્ત ભારતને ઉદ્દેશીને નહીં, પરંતુ રાહત અને બચાવકાર્ય માટે આવેલા તમામ ૩૪ દેશો માટે છે. આની સાથોસાથ નેપાળે ભારતનો ત્વરિત મદદ માટે ખૂબ આભાર પણ માન્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે, 'નેપાળે પુનર્વસવાટ અને પુનઃનિર્માણનાં કાર્યો માટે ભારતની મદદ માગી છે, જેના પગલે ભારત ટૂંક સમયમાં જ કાટમાળ ખસેડવા માટેનાં મોટા સાધનો રવાના કરશે.'
જનાક્રોશ આસમાને પહોંચ્યો
ભયાનક ભૂકંપમાં સર્વસ્વ ગુમાવી બેઠેલાં પીડિતો સુધી પૂરતી રાહત પહોંચી ન શકવાને કારણે ઉગ્ર જનાક્રોશ પ્રવર્તે છે. નેપાળમાં કામ કરી રહેલા નિરીક્ષકો કહે છે કે આ જનાક્રોશ ગમે ત્યારે જ્વાળામુખી બનીને ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાહત એજન્સીઓ હજી કાઠમાંડુમાં જ અટવાયેલી છે. અન્ય નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં કોઇ જ પ્રકારની રાહત પહોંચી શકી નથી, જેને કારણે સત્તાવાળાઓ સામે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
કાઠમાંડુમાં લોકો કહી રહ્યાં છે કે તેને સરકાર તરફથી કોઈ સહાય મળી રહી નથી. પીડિતો એવો પણ આરોપ મૂકી રહ્યાં છે કે સત્તાવાળાઓ વિદેશો દ્વારા મોકલાઇ રહેલી સહાય ચાંઉ કરી રહ્યા છે. સત્ય એ છે કે સરકારી તંત્ર પાસે ભૂકંપપીડિતો માટે સમય જ નથી. કાઠમાંડુ અને અંતરિયાળ ગામોમાં ભૂકંપપીડિતોની ફરિયાદ છે કે તેમના સુધી હજી કોઈ સહાય કે રાહતકર્મીઓ પહોંચ્યા નથી.
અધિકારીઓ કહે છે કે ટ્રકો અને ડ્રાઇવરોની ભારે અછતને કારણે અંતરિયાળ વિસ્તારોમાં રાહત પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે. ઘણા ટ્રકડ્રાઇવરો તેમના પરિવારોને મદદ કરવા ગામોમાં ચાલ્યા ગયા હોવાથી કાઠમાંડુમાં અછત સર્જાઈ છે. અમારી પાસે ખોરાકનો પૂરતો જથ્થો છે પરંતુ પહોંચાડવા માટે વ્યવસ્થા નથી.
ભારતને સરહદની ચિંતા
નેપાળમાં ભૂકંપના પગલે સર્જાયેલા અરાજકતાના માહોલ વચ્ચે નેપાળને મદદ કરવાના બહાને ચીની દળો ઘૂસી ગયા હોવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સરહદી સલામતીની દૃષ્ટિએ ભારત માટે આ બાબત ચિંતાજનક હોવાનું સુરક્ષા નિષ્ણાતો માને છે.
એવરેસ્ટ આરોહણ પર પ્રતિબંધ
નેપાળ સરકારે ૨૦૧૫ દરમિયાન માઉન્ટ એવરેસ્ટ આરોહણ પર પ્રતિબંધ મૂક્યો છે. અધિકારીઓનું કહેવું છે કે એવરેસ્ટના તહસનહસ થયેલા માર્ગો તાત્કાલિક રિપેર કરવા શક્ય નથી અને હિમશીલાઓના સ્ખલનનો પણ ભય છે. ઉલ્લેખનીય છે કે, નેપાળમાં આવેલા ભૂકંપના લીધે અબજો રૂપિયાના પર્યટન ઉદ્યોગને ભારે ફટકો પડયો છે.