કાબુલઃ અફઘાનિસ્તાનની સંસદ પર સોમવારે સવારે તાલિબાન આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં એક બાળક સહિત પાંચ અફઘાન નાગરિકોનાં મોત થયાં હતાં અને મહિલાઓ તથા બાળકો સહિત ૩૧ લોકોને ઈજા થઇ હતી. બે કલાકની ઉગ્ર અથડામણ બાદ અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ છ તાલિબાનને ઠાર માર્યા હતા. તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
ગ્રીસમાં નાણાકીય કટોકટીઃ ગ્રીસમાં આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે હોસ્પિટલ સહિત જે પણ જાહેર ખાતાં છે તેને ફાળવેલ ફંડને પણ સરકારે પરત લેવાની તજવીજ હાથ ધરી છે, એટલે લગભગ ગ્રીસ પાસે નાણાં ખલાસ થઈ ગયાં છે. સોમવારે વૈશ્વિક માર્કેટમાં તેલના ભાવ ૬૩ ડોલરે પહોંચી ગયા હતા. ગ્રીસની કટોકટીથી ઓઇલના ભાવમાં આ વધારો જોવા મળ્યો હતો.જેથી ભારતમાં પેટ્રોલ કે ડિઝલના ભાવ વધી શકે છે. ગ્રીસ સરકારની પાસેથી સમય અને નાણાં ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે, જેથી સંકટભરી સ્થિતિ પેદા થઈ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સરકાર પાસે નાણાં નથી અને બીજી તરફ દેવું વધી ગયું છે.
ચીન દ્વારા મુસ્લિમ પ્રાંતમાં રમજાનના રોજા પર પ્રતિબંધઃ ચીન દ્વારા તેના મુસ્લિમ પ્રાંત ઝિનજિયાંગમાં મુસ્લિમોના પવિત્ર રમજાન મહિનામાં રોજા રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. ચીને સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકો પર રોજા રાખવા પ્રતિબંધ મૂક્યો છે. ઝિનજિયાંગ પ્રાંતમાં સૌથી વધુ મુસ્લિમો રહે છે. સત્તાવાળાઓ દ્વારા રેસ્ટોરાં ખુલ્લી રાખવાનો આદેશ થયો છે.