કાબૂલઃ અફઘાનિસ્તાનના કાબૂલમાં એક ઘાતકી આતંકી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ૬૩ લોકો માર્યા ગયા છે. અહીં ચાલી રહેલા એક લગ્નમાં આવેલા લોકોને આતંકીઓએ નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. આ વર્ષના સૌથી ખતરનાક પૈકી એક હુમલો માનવામાં આવે છે. જેની જવાબદારી આતંકી સંગઠન આઇએસએ સ્વીકારી છે. પશ્ચિમ કાબુલમાં ૧૮મીએ એક લગ્ન પ્રસંગ યોજાયો હતો, આનંદનો આ પ્રસંગ જોતજોતામાં માતમમાં ફેરવાઇ ગયો હતો.
આઇએસના આતંકીએ બાળકો, મહિલાઓ સહિત આશરે ૬૩ લોકોનો જીવ લીધો હતો. ઠેર ઠેર લાશો પડી હતી અને દિવાલો પર લોહીના છાંટા ઉડયા હતા. હાલમાં જ અમેરિકા અને અફઘાનિસ્તાનમાં સક્રિય તાલિબાન બન્ને વચ્ચે શસ્ત્ર વિરામ માટે સંમતિ થઇ હતી. એવામાં આ હુમલો ફરી એ સંદેશો આપી રહ્યો છે કે અમેરિકાનું સૈન્ય હટાવી લેવામાં આવે કે હાજર હોય તો પણ આતંકીઓ હુમલા કરતા રહેશે.
વરરાજા મિર્વાઇઝ લગ્નમાં આવેલા લોકોને આવકારી રહ્યો હતો, દરેકના ચહેરાઓને હસતા જોઇ રહ્યો હતો. એવામાં અચાનક થયેલા આ વિસ્ફોટે અરેરાટી મચાવી દીધી હતી. જે વરરાજા હસી રહ્યો હતો તે અને માર્યા ગયેલા પરિવારજનો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા. વરરાજાએ કહ્યું હતું કે આ હુમલામાં મે મારા ભાઇ, મિત્રો, અનેક પરિવારજનોને ગુમાવ્યા છે. મારી થનારી પત્ની આઘાતમાં છે, મારી જિંદગીમાં હવે ક્યારેય ખુશી નહીં આવે, મે બધુ જ ગુમાવી દીધું છે.