કાબૂલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ ૨૧મીએ કરેલા આતંકી હુમલામાં ૧૦૦ લોકોનાં મોત થયા છે. આતંકીઓએ મિલિટરીનું હમવી વાહન ઝૂંટવી લીધું હતું, જેમાં વિસ્ફોટકો ભરીને નેશનલ ડિરેક્ટોરેટ ફોર સિક્યુરિટીના ટ્રેનિંગ સેન્ટરમાં ઘૂસીને વિસ્ફોટ કર્યો હતો. રાજધાની કાબૂલની નજીક મેદાન વાર્ડાક પ્રાંતમાં આ ઘટના બની હતી અને મૃતકોમાં મોટાભાગના સુરક્ષાકર્મીઓ છે. અફઘાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુ આંક વધવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, મિલિટરીના વાહનને આતંકીઓએ વિસ્ફોટકો લાદીને ટ્રેનિંગ સેન્ટરમાં ઘૂસાડીને વિસ્ફોટ કર્યો હતો. એ પહેલા બે આતંકીઓએ ગોળીબાર પણ કર્યા હતા.
જોકે કાબૂલના સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ જણાવ્યા વગર કહ્યું કે, આ ઘટનામાં અંદાજે ૧૨૬ લોકોનાં મોત થયા છે. જેમાં આઠ સ્પેશિયલ કમાન્ડો પણ સામેલ છે. સ્થાનિક અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, આ હુમલામાં અનેક સૈનિકો અને એનડીએસ કર્મચારીઓનાં મોત થયા છે.