ઈસ્લામાબાદઃ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ૨૭મી ઓગસ્ટે કાશ્મીર મુદ્દા પર ઇમરાન ખાનને અસફળ ગણાવ્યા છે. બિલાવલે મીડિયાને કહ્યું કે, પહેલા આપણે ભારતથી શ્રીનગર પડાવી લેવાની વાત કરતા હતા, પરંતુ હવે સ્થિતિ એ છે કે આપણે મુઝફ્ફરાબાદ બચાવવાનાં ફાંફા પડી રહ્યા છે. પીપીપી ચેરમેને એકવાર ફરી ઇમરાન ખાન અને ફોજ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, ઇમરાન ઇલેક્ટેડ નહીં, સિલેક્ટેડ વડા પ્રધાન હતા, સિલેક્ટેડ અને સિલેક્ટર્સનાં દેશની જનતા હવે જવાબ માગી રહી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરીઓને ભડકાવવા માટે પાકિસ્તાન દ્વારા અવાર નવાર જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ૩૦મી ઓગસ્ટે પાકિસ્તાને કાશ્મીર અવર મનાવ્યો હતો સાથે દાવો કર્યો હતો કે અમે કાશ્મીરીઓની સાથે છીએ. કાશ્મીરીઓને ભડકાવવા માટે પાકિસ્તાનમાં રસ્તા પર ઉતરીને રેલીઓ પણ કાઢવામાં આવી હતી. જોકે તેની વિપરીત અસર પાકિસ્તાનમાં જ જોવા મળી હતી કેમ કે આ દેખાવોથી પાકિસ્તાનમાં અનેક શહેરોમાં ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો.