ન્યૂ યોર્કઃ અમેરિકામાં યોજાઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાન વડા પ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દો ઉઠાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દો યુએનમાં ઉઠાવીને પાકિસ્તાનને જેટલા હલકી કક્ષાના પ્રયાસો કરશે તેટલું ભારતનું કદ વધશે. પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ અપાશે. કાશ્મીર મુદ્દે વિશ્વનો કોઈ દેશ પાકિસ્તાનને ટેકો આપતું નથી. તે ઠોકરો ખાઈ રહ્યું છે જ્યારે ભારત ઊંચી ઉડાન ભરી રહ્યું છે.
ન્યૂ યોર્કમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ભારતનાં વડા પ્રધાન મોદી બહુપક્ષીય અને દ્વિપક્ષીય બેઠકોનો દોર ચલાવવા સક્રિય છે તે દર્શાવે છે કે ભારતનું કેટલું મહત્ત્વ છે. પાકિસ્તાન નફરત ફેલાવનાર ભાષણને મુખ્ય પ્રવાહમાં લાવવાની કોશિશ કરે છે અને આતંકવાદ પર ઢાંકપિછોડો કરવા માગે છે, પણ તેના આ પ્રયાસો સફળ રહેશે નહીં.