શ્રીનગરઃ છેલ્લા લાંબા સમયથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિએ માઝા મૂકી છે. આતંકી સંગઠન આઇએસ અને પાકિસ્તાનના ઝંડા પણ અવારનવાર જોવા મળી રહ્યા છે. છાશવારે હિંસક વિરોધ પ્રદર્શન થાય છે. એક રિપોર્ટ અનુસાર કાશ્મીરની અશાંતિના મૂળમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ છે. કાશ્મીરમાં સક્રિય થયેલી આઇએસઆઇ દર વર્ષે કરોડો રૂપિયા કાશ્મીરમાં હિંસા ભડકાવવા મોકલી રહી છે. હાલ કાશ્મીરમાં પાકિસ્તાન-પ્રેરિત જે હિંસા ફાટી નીકળી છે તેની અસર અમરનાથ યાત્રા પર થઇ રહી છે. સતત બીજી વખત અમરનાથ યાત્રાને સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે. એક જ સપ્તાહમાં બીજી વખત યાત્રા સસ્પેન્ડ થતા હજારો યાત્રિકો ફસાયા છે.
હાલ કાશ્મીરમાં હિંસાની સ્થિતિ છે જેનો લાભ લેવા માટે આઇએસઆઇ દ્વારા હવાલા માર્ગે કાશ્મીરમાં ૫૦થી ૬૦ કરોડ રૂપિયા ઘુસાડવામાં આવ્યા છે. અલગાવવાદીઓને આ ફંડ મળી રહ્યું છે, જેનો ઉપયોગ તેઓ હિંસા ફેલાવવા માટે કરી રહ્યા છે. મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ હાલ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. પાકિસ્તાન કાશ્મીરમાં આ ફંડ પહોંચાડવા માટે સઇદ અને હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સૈયદ સલાહુદ્દીનનો ઉપયોગ કરી રહ્યું છે. હાલ જે હિંસા ફાટી નીકળી છે તેમાંથી લાભ કેવી રીતે ખાટવો તેની ચર્ચા કરવા માટે પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં આઇએસઆઇના અધિકારીઓ અને હાફિઝ સઇદ તેમજ સૈયદ અલાહુદ્દીન વચ્ચે બેઠક પણ યોજાઇ હતી.