કાશ્મીરમાં એસઓપીની હત્યા પછી યુએનમાં મંત્રણા માટે ભારતના ઈનકારથી પાકિસ્તાન રાતુંપીળું

Tuesday 25th September 2018 13:10 EDT
 
 

કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત થતી આતંકી પ્રવૃત્તિઓના કિસ્સામાં કાશ્મીરના શોપિયામાં ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર્સનું અપહરણ કરીને તેમની ઘાતકી હત્યામાં પણ પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા મળ્યા પછી ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સાથે વિદેશ પ્રધાનોની યુએનમાં યોજાનારી મંત્રણા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.

એસઓપીની હત્યા

શોપિયાનાં કપરણ ગામમાં ત્રાટકેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ ૩ પોલીસ કર્મચારી અને એક પોલીસ કર્મચારીના ભાઈનું ઘરમાંથી બહાર ખેંચીને અપહરણ કર્યું હતું. એ પછી ત્રણેય પોલીસ અધિકારીઓની ક્રૂર રીતે હત્યા કરી હતી. ત્રણેયનાં મૃતદેહ કપરણથી ૪ કિલોમીટર દૂર વાનગામના જંગલમાંથી કફોડી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ કર્મચારીના ભાઈને છોડાવવામાં ગ્રામજનો સફળ રહ્યાં હતાં. પોલીસે જણાવ્યું કે, કપરણના રહેવાસીઓએ આતંકીઓનો પીછો કરીને પોલીસ કર્મચારીઓને મુક્ત કરવા વિનંતી કરી હતી, પણ આતંકીઓએ હવામાં ફાયરિંગ કરીને ગ્રામજનોને પણ ધમકાવ્યાં હતાં. એ પછી આતંકવાદીઓ નદી પાર કરીને જંગલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ત્રણેયની હત્યા કરી નાંખી હતી. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આઇએસઆઈના આંતકીઓ સાથેના સંદેશા પરથી તારણ મેળવ્યું હતું, જેમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર્સનું અપહરણ કરીને તેમની હત્યા કરવાના આદેશ અપાયા હતા. અગાઉ, ૧૯મી સપ્ટેમ્બરે પણ જમ્મુ સરહદે પાકિસ્તાની રેન્જરોએ બીએસએફ જવાનનો શિરચ્છેદ કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલાં ફાયરિંગમાં બીએસએફના હેડકોન્સ્ટેબલ નરેન્દ્ર શહીદ થયા હતા. બીએસએફના કેટલાક જવાન સરહદ પર સરકંડા સાફ કરવા ગયા હતા ત્યારે જ પાકિસ્તાની રેન્જરો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ઘાયલ થયા હતા. પાકિસ્તાનની બેટ ટીમ ઘાયલ હેડ કોન્સ્ટેબલને ઉઠાવીને લઈ ગઈ હતી અને ત્યાં તેનું ગળું કાપી નાંખ્યું હતું અને તેમનો મૃતદેહ પાછો નાંખી ગઈ હતી. સરહદ પર સરકંડા સાફ કરવાની પ્રક્રિયા નિયમિત રીતે હાથ ધરાય છે. બીએસએફના જવાનો દ્વારા સમયાંતરે સરહદ પર ઘાસ અને સરકંડા સાફ કરાય છે જેથી આતંકવાદીઓ ઘૂસણખોરી માટે તેની આડશ લઈ શકે નહીં. પાકિસ્તાની રેન્જરો દ્વારા બીએસએફની આ પ્રવૃત્તિ અટકાવવા ફાયરિંગ થતાં રહે છે.

પાકિસ્તાનીઓની આડોડાઈ

બીએસએફે નરેન્દ્રને શોધવામાં મદદ કરવા રેન્જરોને વિનંતી કરી હતી, પરંતુ સેક્ટરમાં પાણી ભરાયું હોવાનું બહાનું કાઢી સર્ચ ઓપરેશનમાં જોડાયા નહોતા.

પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીશું

ભારતીય સુરક્ષાકર્મીઓ સાથેના આ પ્રકારના જંગલિયાતભર્યા આતંકવાદી હુમલાઓના આકરા જવાબ રૂપે સૈન્ય વડા બિપીન રાવતે જણાવ્યું છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા શસ્ત્રવિરામ કરાર પણ તોડી નાંખીશું. એ પછી બિપીન રાવતને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ફરી સૈન્ય દ્વારા પાકિસ્તાન સરહદમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપવાનો છે તો જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેને સરપ્રાઇઝ જ રહેવા દો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને વાતચીતનો પ્રસ્તાવ ભારતને મોકલ્યો હતો તેને ભારતે નકારી દીધો છે અને વાતચીતની પણ ના પાડી દીધી છે. રાવતે ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીત રદ કરવાના નિર્ણયના પણ વખાણ કર્યાં હતાં.

ઈમરાનનો પત્ર

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ભારત સાથે ફરી એકવાર વાટાઘાટો શરૂ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઈમરાન ખાને બંને દેશના સંબંધ સુધારવામાં સામે આવી રહેલા તમામ મુદ્દે દ્વિપક્ષીય વાટાઘાટો કરવા પર ભાર મૂક્યો છે, જેમાં કાશ્મીર અને આતંકવાદ બંનેનો સમાવેશ થાય છે. ૧૪મી સપ્ટેમ્બરે લખેલા આ પત્રમાં ઈમરાન ખાને લખ્યું છે કે, ન્યૂ યોર્કમાં આયોજિત યુએનની સામાન્ય સભામાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેબૂબ કુરેશી વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સાથે એક અનૌપચારિક બેઠક કરે એવું પાકિસ્તાન સરકાર ઈચ્છે છે. અમે આતંકવાદ સહિતના તમામ મુદ્દે શાંતિવાર્તા આગળ ધપાવવા પણ તૈયાર છીએ.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮મી ઓગસ્ટે ઈમરાન ખાનને પત્ર લખીને અભિનંદન આપ્યા હતા. એ પત્રમાં મોદીએ પણ બંને દેશ વચ્ચે સકારાત્મક અને ફળદાયી વાટાઘાટો શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. ઈમરાન ખાને આ પત્રનો જવાબ આપતા શાંતિવાર્તા શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઈમરાન ખાને પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા પછી કહ્યું હતું કે, ભારત એક કદમ આગળ આવશે તો અમે બે કદમ આગળ આવીશું.

આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના પ્રસ્તાવને ભારત સ્વીકારે છે. ન્યૂ યોર્કમાં પણ બંને દેશના વિદેશ પ્રધાનની મુલાકાત થશે, પરંતુ તેની તારીખો હજુ નક્કી થઈ નથી. જોકે, આ મુલાકાત કે બેઠકને શાંતિવાર્તા સમજવાની ભૂલ નહીં કરવી. સરહદે બીએસએફ જવાનની ક્રૂર હત્યા થઈ છે અને સીમાપારના આતંકવાદ મુદ્દે અમારી નીતિઓમાં કોઈ બદલાવ આવ્યો નથી. વાતચીત અને આતંકવાદ સાથે નહીં જ ચલવા લેવાય. પાકિસ્તાન સાથે યોજાનારી બેઠકનો એજન્ડા પણ નક્કી નથી. ભારત યોગ્ય મંચ પર પાકિસ્તાન સમક્ષ વિવિધ મુદ્દા ઉઠાવશે. જોકે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પોલીસકર્મીઓની ક્રૂર હત્યા અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરી આતંકવાદી બુરહાન વાણીના વખાણ કરતી ટપાલ ટિકિટ જારી કરવાના એલાન પછી ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનોની વચ્ચે બેઠક પર સંમતિના માત્ર ૨૪ કલાકમાં જ બેઠક યોજવાનો ઇનકાર કરી દીધો હતો. એ પછી ઈમરાન ખાને તેનું વલણ બદલી નાંખ્યું અને કહ્યું કે ભારત સાથે મિત્રતાના પ્રસ્તાવને નબળાઈ ન સમજશો.

પાકિસ્તાન દબાણમાં નહીં આવે

ઈમરાન ખાને ૨૩મીએ કહ્યું કે ભારત સાથે મિત્રતાના પ્રસ્તાવને અમારી નબળાઈ ન સમજવી જોઈએ. કોઈ અમને ધમકાવે નહીં, અમે કોઈ પણ પ્રકારની વિરોધી કાર્યવાહી સાંખી નહીં લઈએ. વિદેશ પ્રધાનોની મુલાકાત રદ કરવાના ભારતના નિર્ણય અંગે રવિવારે પંજાબમાં અધિકારીઓ સાથેની બેઠકમાં ઇમરાને આશા વ્યક્ત કરી કે ભારતની સરકાર અહંકાર છોડી શાંતિ મંત્રણા શરૂ કરશે. ભારત અને પાકિસ્તાનને મૈત્રીભર્યા સંબંધોથી ગરીબીથી બહાર આવવામાં મદદ મળશે. આ બન્ને દેશોના હિતમાં છે. પાકિસ્તાન દુનિયાની કોઈ પણ મહાસત્તાના દબાણ હેઠળ નહીં આવે. પાકિસ્તાનના બે મુખ્ય વિપક્ષી દળો પીએમએલ-એન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ભારત સાથે રાજકીય સંબંધ બગાડવા અંગે ઇમરાન ખાનને જવાબદાર ઠેરવી દીધા છે. બન્ને પક્ષોએ કહ્યું કે ઇમરાને ભારત સાથે મંત્રઠણા કરવામાં ઉતાવળ કરી દીધી અને દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.

ઇમરાનનો મોદી પર કટાક્ષ

ઇમરાન ખાને કહ્યું કે, ભારતના નકારાત્મક વલણથી હું નિરાશ થયો છું. જોકે, મેં મારા સંપૂર્ણ જીવનમાં જોયું છે કે નાના લોકો મોટા હોદા પર રહ્યા છે, પરંતુ તેમની પાસે મોટા વિઝન માટેની દૂરંદેશી હોતી નથી. ઈમરાને ટ્વિટર પર પણ આ નિવેદન લખ્યું હતું. ઇમરાને એક ટ્વિટ કરી હતી કે ‘શાંતિ વાર્તા ફરીથી શરૂ કરવાના મારા આહ્વાન પર ભારતના અહંકારી અને નકારાત્મક વલણથી નિરાશ છું.' ભારતના નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ૨૧મીએ કહ્યું હતું કે, પાકિસ્તાન સંપૂર્ણરીતે આતંકને પ્રોત્સાહનના આરોપોને નકારે છે. અમારા અધિકારીઓ હકીકત જાણવા માટે સંયુક્ત તપાસ કરવા પણ તૈયાર છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને તેમના પાકિસ્તાની સમકક્ષ મહેમૂદ કુરૈશી વચ્ચે આ બેઠક થવાની હતી.પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા મેજર આસિફ ગફુરે પણ લાલપીળા થતાં જણાવ્યું હતું કે પાકિસ્તાને શાંતિ માટે અપીલ કરી હતી, પણ તેને ભારત હળવાશથી ન લે, અમારી પાસે પણ પરમાણુ હથિયારો છે અને ગમે ત્યારે યુદ્ધ માટે તૈયાર છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter