નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ની જોગવાઈ નાબૂદ કરીને રાજ્યની પુનઃરચનાને મુદ્દે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંને સાઉદી અરબે સમર્થન આપી દીધું છે. ૩જીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મહમદ બિન સલમાન વચ્ચે રિયાધમાં બે કલાક સુધી ચાલેલી બેઠક દરમિયાન સાઉદી અરબે કાશ્મીરમાં ભારતે લીધેલાં પગલાં અંગે પોતાનું મંતવ્ય જાહેર કર્યું હતું. અહેવાલ છે કે બંને દેશો વચ્ચે મહત્ત્વના દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. વાતચીતમાં જમ્મુ-કાશ્મીર વિષે પણ ચર્ચા થઈ હતી. તે ચર્ચા સમયે સાઉદી ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ભારત તરફથી લેવામાં આવેલા પગલાંને અમે સમજીએ છીએ. ભારતે ગત પાંચ ઓગસ્ટના રોજ જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કરીને પ્રદેશને બે ભાગમાં વહેંચવા નિર્ણય લીધો હતો.