શ્રીનગર: કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામેની લડાઇમાં ભારતીય સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષા દળોએ છેલ્લા આઠ વર્ષથી નાસતાફરતા હિઝબુલ મુદાહિદ્દીનના ટોચના કમાન્ડર રિયાઝ નાયકૂને છઠ્ઠી મેના રોજ પુલવામા જિલ્લામાં તેના જ ગામમાં ઠાર માર્યો છે. ભારતીય સુરક્ષા દળોના મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં ટોચના સ્થાને રહેલા આ આતંકીના માથા સાટે રૂ. ૧૨ લાખનું ઇનામ જાહેર થયું હતું.
સમગ્ર ઓપરેશનની માહિતી આપતાં સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ પાંચમી મેના રોજ નાયકુના છુપાવાના સ્થળને ઘેરાબંદી કરી હતી. આ પછી તાત્કાલિક ઓપરેશન શરૂ કરવાના બદલે પહેલા આ વિસ્તારમાંથી નાસી છુટાય તેવા તમામ માર્ગો અને છીંડા પર સુરક્ષા દળોએ બંધ કરી દીધા હતા. આ પછી બીજા દિવસે વહેલી પરોઢે જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને સેનાની ટુકડીઓએ ઓપરેશન શરૂ કર્યું હતું.
રિયાઝ નાયકૂ અને તેના સાથીદારે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરતાં જ ગનફાઇટ સર્જાઇ હતી. બંને આતંકવાદી બપોર સુધી સુરક્ષા દળો પર ગોળીઓ વરસાવતા રહ્યા હતા. બપોર બાદ નાયકુનો સાથી આતંકવાદી નાસી છૂટવાના પ્રયાસમાં સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળી વરસાવતો ઘરની નીકળ્યો આવ્યો હતો, પરંતુ સુરક્ષા દળોના ગોળીબારમાં માર્યો ગયો હતો. આ પછી સુરક્ષા દળોએ નાયકૂ સંતાયો હતો તે મકાનને વિસ્ફોટકો દ્વારા ઉડાવી દીધું હતું.
ઓપરેશન દરમિયાન કાશ્મીર ખીણમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સમગ્ર પ્રદેશમાં પ્રાઇવેટ ઓપરેટર્સની મોબાઇલ ટેલિફોન સેવાઓ અને મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાવી દેવાઇ હતી. એન્કાઉન્ટર સ્થળથી લોકોના ટોળાને દૂર રાખવા અર્ધલશ્કરી દળો અને પોલીસે ગામ બહારનો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો.
કેટલાંક સ્થળોએ લોકો દ્વારા પથ્થરમારો કરાયો હતો, પરંતુ સુરક્ષા દળોએ સ્થિતિ નિયંત્રણમાં લઇ લીધી હતી. સુરક્ષા દળોએ અવંતીપોરામાં એક અન્ય એન્કાઉન્ટરમાં આતંકવાદી તિબ્ઝી સહિત બે આતંકવાદીને ઠાર માર્યા હતા.
આતંકનો પોસ્ટર બોય નાયકુ
જુલાઇ ૨૦૧૬માં આતંકવાદી બુરહાન વાની ઠાર મરાયા બાદ ૩૫ વર્ષીય રિયાઝ નાયકુ આતંકવાદનો નવો ચહેરો બની ગયો હતો. ૨૦૧૦માં ૧૭ વર્ષીય એહમદ મટ્ટોનું ટિયર ગેસનો સેલ વાગવાના કારણે મોત થયું હતું. આ ઘટના બાદ ખીણમાં ઘણું બદલાઇ ગયું હતું. પોલીસે નાયકુ સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. ૨૦૧૨માં તેને જેલમાંથી મુક્ત કરાયો પછી તે તદ્દન બદલાઇ ચૂક્યો હતા. તેણે તેના પિતા પાસેથી વધુ અભ્યાસ માટે ભોપાલ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે રૂ. ૭૦૦૦ લીધા ત્યારબાદ તે ક્યારેય દેખાયો નહોતો.
એક મહિના બાદ જાણ થઇ હતી કે નાયકુ આતંકવાદી બની ગયો છે. ૨૦૧૬માં બુરહાન વાની માર્યા ગયા બાદ તેને હિઝબુલના કાશ્મીર કમાન્ડર તરીકે નિયુક્ત કરાયો હતો. તે પાકિસ્તાન સ્થિત હિઝબુલના વડા સૈયદ સલાહુદ્દીનની અત્યંત નિકટ મનાતો હતો. ૨૦૧૭માં ઝાકિર મુસા અલગ થયા બાદ નાયકુનો પ્રભાવ વધી ગયો હતો.
તેણે ખીણ પ્રદેશમાં આતંક ફેલાવવામાં કોઇ કસર છોડી નહોતી. તેજસ્વી શૈક્ષણિક કારકીર્દિ ધરાવતો ટેકનોસેવી હોવાથી આતંકવાદમાં આઇટીનો ઉપયોગ શરૂ કર્યો હતો. તો લોકોમાં ભય અને ડરનો માહોલ સર્જવા તેણે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓને બંદૂકની સલામી આપવાની પ્રથા શરૂ કરાવી હતી. તેણે પોલીસ કર્મીઓ અને તેના પરિવારના સભ્યોના અપહરણનો સિલસિલો કર્યો હતો. પોલીસ પર દબાણ ઊભું કરવા તે અપહરણ દિવસ મનાવતો હતો. તેણે એક વીડિયો જારી કરીને કાશ્મીરમાં પંડિતોના સ્વાગતનું એલાન પણ કર્યું હતું
અભ્યાસમાં તેજસ્વી હતો નાયકુ
આતંકી રિયાઝ નાયકુ અભ્યાસમાં તેજસ્વી હતો અને ગણિતમાં વિશેષ રુચિ ધરાવતો હતો. તે સિવિલ ઇજનેર બનવા માગતો હતો. ધોરણ ૧૨માં તેણે ૬૦૦માંથી ૪૬૪ ગુણ સાથે ૭૭ ટકા ગુણ હાંસલ કર્યા હતા. તે પ્રાઇવેટ સ્કૂલમાં મેથ્સ પણ ભણાવવા લાગ્યો હતો.
ડોભાલનું ઓપરેશન જેકબૂટ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત ડોભાલ દ્વારા દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે ઓપરેશન જેકબૂટ શરૂ કરાવાયું હતું. બુરહાન વાની સહિતના આતંકવાદીઓ દ્વારા કાશ્મીરની શાંતિ ભંગ કરવા માટે કરાતા કાવતરાનો કાયમી અંત લાવવા માટે ડોભાલ દ્વારા આ ઓપરેશન શરૂ કરાયું હતું. નાયકુને ઠાર કરવામાં આવ્યો તે આ ઓપરેશનની સફળતાનો જ એક કિસ્સો છે.