ન્યૂ યોર્કઃ મૂળે જર્મનીના વતની પણ હાલ યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં વસતા કમ્પ્યુટર પ્રોગ્રામર સ્ટિફન થોમસની ઊંઘ આજકાલ વેરણ થઈ છે. તેની પાસે ૧૮૦૦ કરોડ રૂપિયાના બિટકોઈન્સ (ડિજિટલ કરન્સી) છે, પરંતુ તેણે આ બિટકોઈન જે ડિજિટલ વોલેટમાં રાખ્યા છે તેનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે. નજર સામે જ આ ડિજિટલ વોલેટ છેે, અને તેમાં જ અઢળક દલ્લો પડ્યો હોવાનું તે જાણે છે, છતાં લાચાર છે.
વાત એમ છે કે બિટકોઇન્સ જેમાં રખાય છે તે ડિજિટલ વોલેટ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે, અને તેનો રેકોર્ડ કોઇ સર્વર કે બીજી કોઇ કંપનીમાં હોતો નથી. પાસવર્ડ ભૂલી જવાય તો તેવા કિસ્સામાં જે તે વ્યક્તિને ૧૦ ટ્રાયલની છૂટ છે. સ્ટિફન સાથે પણ એવું જ થયું છે. તે પાસવર્ડ ભૂલી ગયો છે, અને આઠ વખત તે ખોટા પાસવર્ડ નાંખીને ટ્રાય કરી ચૂક્યો છે. હવે તેની પાસે માત્ર બે ટ્રાયલ બચી છે. આ પાસવર્ડ શું છે એ વિચારે તેની ઊંઘ હરામ થઈ ગઈ છે.
સ્ટિફન પાસે હાલની સૌથી હોટ કરન્સી ગણાતા ૭૦૦૨ બિટકોઈન છે. દરેક બિટકોઈનની કિંમત આશરે રૂપિયા ૨૫.૪૮ લાખ અંદાજાય છે. તેણે આયર્ન કી નામના ડિજિટલ ડિવાઈસમાં બિટકોઈન સ્ટોર કર્યા છે, પરંતુ પાસવર્ડ ભૂલાઇ ગયો છે.
સ્ટિફને આ પાસવર્ડ એક ચબરખી પર લખ્યો હતો, પણ હવે એ મળતી નથી. તેણે પોતાની યાદશક્તિના જોરે જુદાં જુદાં આઠ કોમ્બિનેશન અજમાવી જોયા, પરંતુ દરેક વખતે તેનો પાસવર્ડ ખોટો પડ્યો છે. હવે બે ટ્રાયલ બાકી છે અને તેને પાસવર્ડ નાખતાં ડર લાગે છે. જો બાકીની બે ટ્રાયલમાં પણ તે સાચો પાસવર્ડ નહીં નાખી શકે તો તેના આ બિટકોઈન કાયમ માટે લોક થઈ જશે. સ્ટિફનને લગભગ દસ વર્ષ પહેલાં ૨૦૧૧માં એક એનિમેશન ફિલ્મ બનાવવા બદલ પુરસ્કાર પેટે આ બિટકોઈન મળ્યા હતા. તે પછી છેલ્લા એક વર્ષમાં બિટકોઈનના ભાવોમાં રેકર્ડબ્રેક તેજી આવી છે. છેલ્લા થોડાક વર્ષોમાં તેના મૂલ્યમાં ૭૨૦ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.
લોકમાં છે ૧૪૦ બિલિયન ડોલર
બિટકોઈન એક ડિજિટલ કરન્સી છે અને તે સાચવવા માટેના વોલેટમાં કોઈ આઈડીની જરૂર પડતી નથી. ફક્ત એક પાસવર્ડના આધારે જ તેને ખોલી શકાય છે અને તેને ટ્રાન્સફર કરી શકાય છે. વિશ્વના કેટલાય લોકો એવા છે જેઓ પોતાનો પાસવર્ડ ભૂલી જવાના કારણે કે ડિવાઈસ ફોર્મેટ થઇ જતાં કે ડિવાઇસ ખોવાઈ જવાના કારણે પોતાના બિટકોઈન ગુમાવી ચૂક્યા છે. એક અંદાજ અનુસાર હાલ દુનિયામાં ૧.૮૫ કરોડ બિટકોઈન છે. તેમાંથી ૨૦ ટકા જેટલા બિટકોઈન આ રીતે લોક છે. લોક થઈ ચૂકેલા બિટકોઈનની કિંમત ૧૪૦ બિલિયન ડોલર અંદાજવામાં આવે છે.