શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ૪૮ કલાક ચાલેલા આર્મી ઓપરેશનમાં સિક્યોરિટી ફોર્સે પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં સેના અને પોલીસના એમ કુલ મળીને પાંચ જવાન પણ શહીદ થયા છે. આ ઓપરેશનમાં જમ્મુ કાશ્મીરના સ્પેશ્યલ ઓફિસર મોહમ્મદ યુસુફ, પોલીસ કોન્સ્ટેબલ દીપક થેસુ, આર્મી જવાન મોહંમ્મદ અશરફ અને રણજીત સિંહ સહિત એક આર્મી જવાન શહીદ થયાં છે.
આ અથડામણમાં એક અધિકારી સહિત ૩ લોકો ઘાયલ થયાં છે. કાશ્મીરના આઈજી એસ. પી. પાણિએ ૨૨મી માર્ચે કહ્યું હતું કે માર્યા ગયેલાં તમામ આતંકી પાકિસ્તાની છે. જે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલાં છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત થયાં છે. હાલ હલમતપોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ જ છે. અહીં વીસમી માર્ચથી આ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.
રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, મંગળવારે સેનાને કુપવાડાના હલમતપોરાના જંગલ સાથે જોડાયેલાં વિસ્તારોમાં આતંકીઓ છુપાયેલાં છે તેવી માહિતી મળી હતી. એ પછી સિક્યોરિટી સર્વિસિસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સેનાની જવાબી કાર્યવાહીમાં ૫ આતંકીઓ ઠાર થયા હતા. મંગળવારે મોડી સાંજે ઓછા પ્રકાશને કારણે ઓપરેશન રોકવું પડ્યું હતું. બુધવારે જ્યારે સેના વિસ્તારમાં સર્ચિંગ કરી રહી હતી ત્યારે અચાનકથી આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં સેનાના ૩ જવાન અને બે પોલીસ કર્મચારી શહીદ થયા હતા. તો બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત પણ થયાં છે.