ન્યૂ યોર્ક: બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા માટે જોરદાર જંગ લડનાર હેરોલ્ડ ટેરેન્સ ફરી એક વાર સમાચારમાં છે. અલબત્ત, કોઇ યુદ્ધમાં વીરતાના પ્રદર્શન માટે નહીં, પરંતુ અંગત જિંદગીમાં એક નવું પ્રકરણ શરૂ કરી રહ્યા હોવાથી. 100 વર્ષના ટેરેન્સ આવતા મહિને ફ્રાન્સમાં 96 વર્ષની ગર્લફ્રેન્ડ જેની સ્વેર્લિન સાથે લગ્નબંધને બંધાવાના છે. બંને 2021થી એકબીજાને ડેટ કરી રહ્યા છે, અને હવે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. હેરોલ્ડ ટેરેન્સે પસંદ કરેલું લગ્નસ્થળ પણ ખૂબ ખાસ છે. ટેરેન્સ કહે છે કે તેમના લગ્ન એ બીચ પર થઈ રહ્યા છે જ્યાં વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકો લડવા માટે ઉતર્યા હતા. લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત ટેરેન્સ આ પ્રસંગને યાદગાર બનાવવા માંગે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુએસ એરફોર્સમાં સેવા આપનાર હેરોલ્ડ ટેરેન્સને આગામી છઠ્ઠી જૂને ડી-ડે લેન્ડિંગની 80મી વર્ષગાંઠે સન્માનિત કરાશે. આ તે ઐતિહાસિક દિવસ છે જ્યારે અમેરિકાએ મિત્ર દેશો સાથે મળીને વિશ્વયુદ્ધનો માર્ગ બદલી નાંખ્યો હતો. આ જંગમાં હેરોલ્ડ ટેરેન્સ એ થોડા નસીબદાર સૈનિકોમાંના એક હતા જેઓ જીવતા પાછા ફર્યા હતા. સન્માનના બે દિવસ પછી હેરોલ્ડ સત્તાવાર રીતે તેની ગર્લફ્રેન્ડ જેની સ્વેર્લિન સાથે ફ્રાંસના બીચ પર લગ્ન કરશે. આ એ જ જગ્યા છે જ્યાં 1944માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હજારો અમેરિકન સૈનિકો ઉતર્યા હતા. લગ્નપ્રસંગે શહેરના મેયર પણ ખાસ હાજરી આપશે.
હેરોલ્ડ અને જેનીની એક એવી લવસ્ટોરી છે જે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. ફ્લોરિડામાં જેનીના નિવાસસ્થાને એક મુલાકાત દરમિયાન હેરોલ્ડ કહે છે કે તેઓ બન્ને ટીનેજર્સની જેમ એકબીજાને મળ્યા, અને હાથ પકડીને એકબીજામાં ખોવાઈ ગયા. બસ, તે દિવસની ઘડીને આજનો દિવસ. બન્ને બાકીનું આયખું સાથે વીતાવવા નિર્ણય કરી લીધો. જેની તેના મંગેતર વિશે કહે છે કે તે મહાન છે, મને તેના વિશે બધું જ પસંદ છે. તે સુંદર છે અને તે એક સારો કિસર છે.
જેની કહે છે કે હેરોલ્ડ એક ધબકતું વ્યક્તિત્વ છે. તે 100 વર્ષનો થઈ ગયો છે, પણ તેની ઉંમરની સરખામણીએ તેનું વ્યક્તિત્વ એકદમ અલગ છે. તે ખુશખુશાલ અને ખૂબ રમૂજી છે. તેની યાદશક્તિ પણ તેની ઉંમર સાથે મેળ ખાતી નથી. તેને તારીખો, ગુમ થયેલી જગ્યાઓ અને ઘટનાઓ એકદમ સચોટ યાદ છે.
હેરોલ્ડની એરફોર્સમાં જવાન તરીકે ભરતી કરવામાં આવી ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી. તે સમયે જાપાને પર્લ હાર્બર ખાતેના યુએસ નેવલ બેઝ પર બોમ્બમારો કર્યો હતો. હેરોલ્ડ કહે છે કે તે સમયે ઘણા યુવાન અમેરિકનની જેમ તે પણ સેનામાં જોડાવા માંગતો હતો. 20 વર્ષની ઉંમર સુધીમાં તો તે મોર્સ કોડમાં નિષ્ણાત થઇ ગયો હતો. તે સમયે તેમને યુદ્ધ દરમિયાન ઈંગ્લેન્ડ જવા માટે ચાર થંડરબોલ્ટ ફાઈટર પ્લેનની સ્કવોડ્રનની જવાબદારી સોંપાઇ હતી.
અહેવાલો અનુસાર, હેરોલ્ડ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ઘરે પરત ફર્યા બાદ નેથેલ્મા સાથે લગ્ન કર્યાં. તેમને લગ્નજીવનથી ત્રણ સંતાનો હતા અને આ દરમિયાન પોતે બ્રિટિશ કંપનીમાં કામ કરતા હતા. નિવૃત્તિ પછી તેમનો પરિવાર ફ્લોરિડામાં સ્થાયી થયો. 2018માં નેથેલ્માના મૃત્યુથી હેરોલ્ડ એકલા પડી ગયા હતા. આ અરસામાં હેરોલ્ડ એક મિત્રના માધ્યમથી જેની સ્વેર્લિનને મળ્યા. જેનીના પતિનું અવસાન થયું હોવાથી તે પણ એકલી હતી. બે જ મિટિંગમાં બંનેએ નક્કી કરી લીધું હતું કે જીવનના અંતિમ શ્વાસ સુધી સાથે જ જીવન વીતાવશે.
બીજા વિશ્વયુદ્ધને યાદ કરતાં હેરોલ્ડ કહે છે કે તે યુદ્ધમાં અમે ઘણા વિમાનો અને ઘણાં પાઈલટ્સ ગુમાવ્યા. તે સમયે અમે બધા ખૂબ જ યુવાન હતા અને મારા મિત્રોને મારી નજર સામે મરતાં જોવું મારા માટે ખૂબ દુઃખદાયક હતું. જોકે, હું ખૂબ નસીબદાર છું કે હું જીવતો પાછો ફર્યો છું.