મંગાફ (કુવૈત)ઃ અખાતી દેશ કુવૈતના અલ-મંગાફમાં સર્જાયેલા અગ્નિકાંડની ભીષણ કરુણાંતિકાને સપ્તાહ વીતી ગયું છે, પરંતુ શોકાતુર પરિવારોમાં ડૂસ્કાં શમ્યાં નથી. વહેલી સવારે બનેલી આ ઘટના દરમિયાન કોઇ ઘરે પરિવાર સાથે વાત કરી રહ્યું હતું તો કોઇ ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યું હતું. અચાનક જ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઇ હતી. કેટલાકે તો જીવ બચાવવા બિલ્ડીંગના પાંચમા માળેથી કૂદકો મારી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ આ ઘટના અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
આ ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને લઈને ઇંડિયન એરફોર્સનું સી-130-જે વિમાન 14મીએ કોચી પહોંચ્યું હતું. અગ્નિકાંડની આ ઘટનાનો ભોગ બનેલાઓમાં સૌથી વધુ 23 લોકો કેરળના છે. કોચીમાં 31 મૃતદેહોને ઉતારવામાં આવ્યા હતા. જેમાં 23 કેરળના, સાત આંધ્ર પ્રદેશના અને કર્ણાટકના એક શ્રમિકના મૃતદેહનો સમાવેશ થયો હતો. કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયન સહિત તેમના મંત્રીમંડળના સભ્યો તેમજ કેન્દ્રીય પ્રધાન સુરેશ ગોપીએ એરપોર્ટ પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કેરળ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
આ પછી ઉત્તર ભારતના 14 શ્રમિકોના મૃતદેહોને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું હતું. આ અગ્નિકાંડમાં માર્યા ગયેલા 49 લોકોમાં 45 ભારતના હતા જ્યારે ત્રણ ફિલિપાઇન્સના હતા.
ડીએનએ ટેસ્ટથી ઓળખ
કુવૈતના મંગાફ શહેરની 6 માળની બિલ્ડિંગમાં 12 જૂને ફાટી નીકળેલી ભીષણ આગમાં 45 ભારતીયો એટલી હદે ભડથું થઇ ગયા હતા કે તેમની ઓળખ મુશ્કેલ થઇ ગઇ હતી. દુર્ઘટના બાદ કુવૈત પહોંચેલા ભારતના વિદેશ રાજ્યપ્રધાન કીર્તિવર્ધનસિંહે જણાવ્યું કે શબ એટલી હદે બળી ગયા છે કે, તેમની ડીએનએ ટેસ્ટથી ઓળખ કરાઈ છે. મૃતકોમાં 45 ભારતીયો ઉપરાંત ત્રણ મૃતક ફિલિપાઈન્સના છે. કેટલાક શબ બિલ્ડિંગની સીડીઓ પર મળ્યા હતા. કેરળનાં આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જ પણ કુવૈત પહોંચ્યા હતા. કીર્તિવર્ધનસિંહ કુવૈતની જાબેર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 6 ભારતીયોને પણ મળ્યા હતા, જે તમામ સુરક્ષિત છે.
છ માળની આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કિચનમાં આગ લાગી હતી. આગ જોતજોતામાં વિકરાળ બનતાં મોટાભાગના શ્રમિકોના ધુમાડાના કારણે મોત થયા અને બાદમાં તેમના શરીર ભડથું થઇ ગયા હતા.
ભારતીય માલિકીની કંપની
આગ લાગી તે બિલ્ડિંગ કેરળના તિરુવલ્લાના બિઝનેસમેન કે.જી. અબ્રાહમની માલિકીના એનબીટીસી ગ્રૂપની હોવાના અહેવાલ છે. બિલ્ડિંગમાં 160 શ્રમિકો રહેતા હતા, જે તમામ આ જ કંપનીમાં કામ કરતા હતા. જોકે અહીં કેટલાક લોકો ગેરકાયદે રહેતા હોવાનું પણ કહેવાય છે. મોટાભાગના મૃતકો 20થી 50 વર્ષના છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ફાયર બ્રિગેડના પાંચ જવાન પણ દાઝ્યા હતા. કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે દુર્ઘટના સંદર્ભમાં હેલ્પલાઈન નંબર જારી કર્યો હતો અને મૃતકોના પરિવારજનો તથા ઈજાગ્રસ્તોને સંભવિત તમામ સહાયની ખાત્રી આપી હતી.
કુવૈતના ગૃહપ્રધાન શેખ ફહાદ અલ-યુસુફ અલ-સબહે શ્રમિકો માટે જવાબદાર કંપનીના માલિક અને દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગના ચોકીદારની ધરપકડનો આદેશ કરતા જણાવ્યું કે કમનસીબે રિયલ એસ્ટેટ માલિકોની લાલચના કારણે આવી ઘટનાઓ બને છે. વધારે ભાડાની લાલચમાં બિલ્ડિંગ ઓનર્સ એક રૂમમાં ઘણા લોકોને વસવાટની છૂટ આપે છે. ભાડાની વધુ આવક માટે સુરક્ષાના માપદંડો સાથે બાંધછોડ કરાય છે.
કુવૈતની આગ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે, ઘટના બહુ જ દુ:ખદ છે. સ્વજનો ગુમાવનારા લોકોને સહાનુભૂતિ પાઠવું છું અને ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. આ પછી તરત જ તેમણે વિદેશ રાજ્યપ્રધાન કીર્તિવર્ધનસિંહને કુવૈત પહોંચવા જણાવ્યું હતું.
48 લાખની વસ્તીમાં 10 લાખ ભારતીય
કુવૈતની અંદાજે 48 લાખની વસ્તીમાં માત્ર 30 ટકા કુવૈતીઓ છે જ્યારે 70 ટકા વિદેશીઓ વસે છે. આમાંથી પણ અંદાજે 10 લાખ (21 ટકા) તો ભારતીયો છે અને ત્યાંના વર્કફોર્સમાં ભારતીયોની સંખ્યા અંદાજે 9 લાખ (30 ટકા) છે.