કાઠમંડુઃ જ્યાં પહોંચતાં પહોંચતા શારીરિક-માનસિક સજ્જ લોકોનું પાણી મપાઇ જતું હોય છે તેવા વિશ્વના સર્વોચ્ચ શિખર એવરેસ્ટને સર કરવા માટે પર્વતારોહકોની લાઇન લાગી છે કોઇ એવું કહે તો માન્યામાં ન આવે, પરંતુ આ હકીકત છે. ગયા સપ્તાહે કંઇક આવો જ માહોલ હતો. શિખર સર કરવા માટે ૨૦૦ પર્વતારોહક પોતાના વારો આવે તેની રાહમાં ઉભા હતા.
‘હિમાલયન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ ઘણા દેશોના પર્વતારોહકએ કેમ્પ-૪ ખાતે પહોંચ્યા બાદ ૮,૮૪૮ મીટર ઊંચા શિખર પર જવાના રસ્તામાં બે કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી હોવાની ફરિયાદ કરી હતી. ભારતની અંજલિ કુલકર્ણી, કલ્પના દાસે પણ આ સ્થિતિનો સામનો કરવો પડ્યો. ૧૨ કલાક રાહ જોવાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ ગઇ અને તે મોતને ભેટી. અમેરિકાનો ડોનાલ્ડ શિખર પર પહોંચ્યા બાદ લપસી ગયો. શ્વાસ ચઢવાથી તેનું મૃત્યુ નીપજ્યું. આ સીઝનમાં હવામાન ખરાબ રહેવાથી ચઢાણના દિવસો ઘટી જતાં બેઝ કેમ્પ પર પર્વતારોહકની ભીડ જામી હતી. નેપાળે આ વખતે રેકોર્ડ ૩૮૧ લોકોને ચઢાણની મંજૂરી આપી છે. શેરપા સહિત ૪૪ ટીમમાં ૭૫૦ લોકો એવરેસ્ટ ચઢી રહ્યા છે.
તિબેટથી પણ ૧૪૦ લોકોને ચઢાણની મંજૂરી મળી છે. આમ આ વર્ષે એવરેસ્ટ સર કરવા ઇચ્છનારાઓનો આંકડો ૮૯૦ને પાર થશે. ગયા વર્ષે કુલ ૮૦૫ લોકો એવરેસ્ટ ચઢ્યા હતા.